પેટ્રોલ-ડિઝલના ભાવના મુદ્દે કેન્દ્ર-રિઝર્વ બેંક સામ-સામે
ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં આરબીઆઈએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો પણ સરકારે પગલાં ન લીધા
નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં આરબીઆઈએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને લઈને કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે સરકાર ફ્યૂલના ભાવને સતત મોનિટર કરી રહી છે. પોતાના જવાબમાં સીતારમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીએ જૂનમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમોડિટીના ભાવમાં તેજી તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આરબીઆઈ ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીને ગંભીરતાથી લેવાની ચેતવણી ઉચ્ચારી હતી.
નાણામંત્રીએ રિઝર્વે બેંકના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યૂટી, સેસ, કેન્દ્ર અને રાજ્ય તરફથી વસૂલવામાં આવતા અન્ય પ્રકારના ટેક્સને ધીરે ધીરે સમન્વિત રીતે સમાયોજિત કરવાની જરૂર છે. આ રીતે ભાવને કંટ્રોલ કરી શકાય છે. ફ્યૂલ મોંઘા થવાથી ઈનપુટ કોસ્ટ ખુબ વધી જાય છે.
કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. સપ્લાય ચેનને ઠીક કરાઈ છે. ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવી છે. સેસ માફ કરાયું છે. દાળ અને તેલની આયાતને લઈને નિયમો સરળ કરાયા છે. આ ઉપરાંત સ્ટોકને લઈને પણ નિયમમાં ફેરફાર કરાયો છે. આ ઉપાયોની મદદથી કિંમત પર કાબૂ મેળવવાની સતત કોશિશ ચાલુ છે.
આ બાજુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરના કારણે તાત્કાલિક રીતે મોંઘવારી દરમાં ઉછાળો આવશે. આવામાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે નીતિગત હસ્તક્ષેપની જરૂરિયાત છે. ઓગસ્ટમાં મોનિટરી પોલીસીની જાહેરાત કરતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન ૫.૧ ટકાથી વધારીને ૫.૭ ટકા કર્યો છે.