પેટ્રોલ-ડિઝલના ભાવ ન વધે તો હેડલાઈન બને એવી સ્થિતિ

Files Photo
નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના પગલે લોકો હેરાન પરેશાન છે. રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાની જાહેરાતો થતી રહે છે.
આ પ્રકારની સ્થિતિ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. પીએમ મોદી પર સોશિયલ મીડિયાના માધ્યમથી સતત હુમલા કરી રહેલા રાહુલ ગાંધીએ હવે પેટ્રોલ ડિઝલના ભાવવધારા પર કહ્યુ છે કે, મોદી સરકારના વિકાસની સ્થિતિ એવી છે કે, જાે કોઈ દિવસ પેટ્રોલ ડિઝલના ભાવ વધે તો તે સમાચાર બને છે.
સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે રાહુલ ગાંધીના કહેવાનો ભાવાર્થ એવો હતો કે, એક દિવસ એવો નથી જઈ રહ્યો જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ના થયો હોય. ભાવ વધારો જાણે મોદી સરકારના શાસનમાં એક સામાન્ય વાત થઈ ગઈ છે. તેની સામે જાે એકાદ દિવસ ભૂલેચુકે ભાવ ના વધે તો તે હેડલાઈન બને તેવી સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે, આજે પણ દેશા ચાર મોટા શહેરમાં પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસાથી ૨૭ પૈસાનો અને ડિઝલના ભાવમાં ૨૭ થી ૩૦ પૈસાનો વધારો થયો છે. દેશના કેટલાક શહેરો તો એવા છે જ્યાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે.
પેટ્રોલ ડિઝલના ભાવવધારા પર અગાઉની યુપીએ સરકારની ટીકા કરનાર મોદી સરકાર માટે હવે પેટ્રોલ ડિઝલના ભાવવધારા પર જવાબ આપવા માટે શબ્દો નથી. કોંગ્રેસ પણ હવે ૨૦૧૪ની ચૂંટણી સમયે ભાજપ અને પીએમ મોદી દ્વારા ભાવવધારા સામે થતા પ્રચારને યાદ કરાવી રહી છે.