Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં આવરી લેવાય તો ભાવ ઘટે

નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે, ત્યારે તેમને જીએસટી હેઠળ લાવવાની માગ પણ વધી રહી છે. જાે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાય, તો તેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળી શકે તેમ છે. ૪૫મી જીએસટી કાઉન્સિલની બેઠક લખનઉમાં મળી રહી છે, ત્યારે આ અંગે કોઈ ર્નિણય લેવાય તેવી મજબૂત શક્યતા છે.

આ મિટિંગ પહેલા એક સરકારી અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક અસરથી પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાનું નથી કહી રહી. હાલ રાજ્ય સરકારોને આ અંગેની ટાઈમલાઈન જણાવવા માટે પૂછવામાં આવ્યું છે.

જુલાઈ ૨૦૧૭માં દેશમાં જીએસટી લાગુ કરાયો હતો. તે વખતે ક્રુડ, ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારને તેનાથી મોટી આવક થતી હોવાથી તે ર્નિણય લેવાયો હતો.

કોરોના બાદ જેમ-જેમ સ્થિતિ સામાન્ય બનતી ગઈ, તેમ-તેમ પેટ્રોલ-ડીઝલની માગમાં વધારો થતો ગયો. બીજી તરફ, વૈશ્વિક બજારમાં પણ તેની કિંમત વધતા ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયા. કેટલાક રાજ્યો અને શહેરોમાં તો પેટ્રોલે ક્યારનીય સદી ફટકારી દીધી છે. છેલ્લા ૧૧ દિવસથી ભલે તેમની કિંમત સ્થિર હોય, પરંતુ એપ્રિલથી લઈ અત્યારસુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૧વાર વધારો થઈ ચૂક્યો છે.

જાે પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાય તો શક્ય છે કે તેને ૨૮ ટકાના સ્લેબમાં મૂકવામાં આવે. તેનો મતલબ એમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી તેના પર જે અલગ-અલગ ટેક્સ લેવાય છે તે બંધ થઈ જાય, અને તેના પર આખા દેશમાં એક સરખો એટલે કે ૨૮ ટકા જીએસટી લાગુ પડે. હાલ દિલ્હીમાં પેટ્રોલની મૂળ કિંમત ૪૧ રુપિયાની આસપાસ છે.

જેના પર ૩૨.૯૦ રુપિયા એક્સાઈઝ ડ્યૂટી, ૩.૮૪ રુપિયા ડીલર કમિશન અને ૨૩.૫૫ રુપિયા વેટ લાગે છે. આ બધાનું ટોટલ કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૧.૧૯ રુપિયા પર પહોંચે છે.

હવે જાે તેને જીએસટીમાં આવરી લેવાય તો ૪૧ રુપિયા મૂળ કિંમત પર ૨૮ ટકા જીએસટી અને ૩.૮૪ રુપિયા ડીલર કમિશન ગણીએ તો પણ પેટ્રોલ ૧૦૧ રુપિયા પ્રતિ લિટરથી સીધું ૫૬.૪૪ રુપિયા પ્રતિ લિટરના સ્તર પર આવી જાય. તેવી જ રીતે, ડીઝલને જાે જીએસટીમાં આવરી લેવાય, તો તે હાલની કિંમત ૮૮.૬૨ રુપિયાથી ઘટીને સીધું ૫૫.૪૧ રુપિયા થઈ જાય.

જાેકે, રાજ્ય સરકારોને તેમજ કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વિવિધ ટેક્સ પેટે ખૂબ મોટી આવક થાય છે. એક અંદાજ અનુસાર ૨૦૨૦-૨૧ના ગાળામાં કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ૩ લાખ કરોડથી વધુ ટેક્સ પેટે આવક થઈ હતી. ૨૦૨૦માં લોકડાઉનને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે કડાકો બોલાયો ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં પણ ધરખમ વધારો ઝીંકી દીધો હતો, જે હાલમાં પણ યથાવત છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સથી વર્ષે પાંચ લાખ કરોડની આસપાસ રુપિયાની આવક મેળવે છે. જાે તે જીએસટી હેઠળ આવી જાય તો તેમાં ૨ લાખ કરોડનો ઘટાડો થાય તેમ છે.

કેટલાક રાજ્યો પણ આ દરખાસ્તનો જાેરદાર વિરોધ કરી રહ્યા છે. ખુદ ભાજપ શાસિત કેટલાક રાજ્યો પણ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાના વિરોધમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.