Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ અને લીંબુ બાદ હવે દાળ-કઠોળના ભાવમાં વધારો

અમદાવાદ, ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતપેદાશોમાં મોંઘવારી નડે છે. કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે.

આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે. છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં ૧૬ ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના અનેક કારણ છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજાે અને હોસ્ટેલો ખૂલતા તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. ૧૫ રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના ૧૨૫ રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે.

રોજ રાત્રે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થાય તો લોકોને આંચકો લાગે છે. સતત ૧૫ દિવસથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે.

મંગળવારે રાત્રે પેટ્રોલમાં ૮૦ અને ડીઝલમાં ૮૨ પૈસાનો વધારો થયો છે. સીએનજીની કિંમતમાં ૬.૪૫ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ગુજરાત ગેસે કિલોદીઠ ૬.૪૫ રૂપિયા કિંમત વધારી છે. સીએનજીની કિંમત પ્રતિકિલો ૭૬.૯૮ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

ગુજરાત ગેસનો સીએનજીનો અગાઉ ભાવ ૭૦.૫૩ રૂપિયા હતો. જેનો આજથી જ રાજ્યમાં નવો ભાવ વધારો અમલી થયો છે. સતત ભાવ વધતા પેટ્રોલ રૂપિયા ૧૦૫ રૂપિયાને પાર થયું છે. પેટ્રોલ બાદ પણ ડીઝલની કિંમત પણ ૧૦૦ની નજીક પહોંચી છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાને લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું ૨.૬૬ કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે અને ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી નથી થઈ તેવું પેટ્રોલપંપ સંચાલકો જણાવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.