પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો
અમદાવાદ: કોરોના વાયરસને કારણે દેશમાં લાગેલા લાકડાઉનને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો અમુક લોકોના પગારમાં પણ ઘટાડા થયા છે. બે મહિના સુધી ઘરે બેસ્યા બાદ અનલોક ૧ શરૂ થતાં સરકારે લાકડાઉનના નિયમોમાં વધુ ઢીલ આપી હતી. પરંતુ હજુ સુધી અનેક ક્ષેત્રોની ગાડી પાટા પર ચડી નથી. ત્યાં હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા ૨૧ દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લા ૨૧ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૯ રૂપિયા કરતા વધારે અને ડીઝલના ભાવમાં ૧૧ રૂપિયા જેટલો વધારો થયો છે. હવે તેની સીધી અસર ટ્રાન્સપોટ્રેશન પર પણ પડી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટ્રેશન પણ મોંઘુ થયું છે. હવે આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવ પણ વધી રહ્યાં છે. સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓ પર પણ મોટી અસર પડી છે. ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.