પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા, ૧૮ દિવસ બાદ ભાવ વધ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Petrol-1024x569.jpg)
નવી દિલ્હી: સતત ૧૮ દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસાથી લઈને ૧૫ પૈસા સુધીનો વધારો કર્યો છે જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘુ થયું છે. આ અગાઉ ૧૫ એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે ૬૬ ડોલર પ્રતિ બેરલ છે.
અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જાેવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત ૭૧ ડોલર પ્રતિ બેરલથી ઘટીને ૬૩ ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. પરંતુ હવે તેજી પાછી ફરી રહી છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલો ઝટકો જાેવા મળ્યો છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત જાેવા મળશે
પરંતુ ઉલટા ભાવ વધવા લાગ્યા છે. ગત મહિનો લોકોને રાહત આપીને ગયો હતો. ૧૫ એપ્રિલ અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે ૩૦ માર્ચના રોજ ફેરફાર જાેવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ ૨૨ પૈસા અને ડીઝલ ૨૩ પૈસા સસ્તુ થયું તું. માર્ચ મહિનામાં પેટ્રોલ ૬૧ પૈસા સસ્તુ થયું હતું અને ડીઝલના ભાવમાં ૬૦ પૈસા ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩ વાર ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં નબળાઈ હતી.
આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલ ૧૬ વાર મોંઘુ થયું હતું રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે ૧૦૦ રૂપિયા પાર છે. આજના વધારા બાદ રેટ ૧૦૧.૮૯ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મધ્ય પ્રદેશના અનુપપૂરમાં રેટ ૧૦૧.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે. મધ્ય પ્રદેશનામાં પેટ્રોલ ૧૦૧.૭૦ રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રીવામાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦.૭૯ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે છિંદવાડામાં પેટ્રોલ ૧૦૦.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલના ભાવમાં ૬૦ ટકા હિસ્સો સેન્ટ્રલ એક્સાઈઝ અને રાજ્યોના ટેક્સનો હોય છે. જ્યારે ડીઝલ પર તે ૫૪ ટકા હોય છે.
પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ૩૨.૯૦ રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ પર ૩૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય રીતે રોજેરોજ ફેરફાર આવે છે. આ ભાવ બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.