Western Times News

Gujarati News

પેટ્રોલ પંપ પર મોંઘુ પ્રિમિયમ પેટ્રોલ પૂરાવવા લોકો મજબૂર

સાદું પેટ્રોલ ખતમ થઈ જતાં પ્રિમિયમ પેટ્રોલ જ વેચાઈ રહ્યું છે

અમદાવાદ, પેટ્રોલ અને ડીઝલની છેલ્લા ચારેક દિવસથી સર્જાયેલી તંગીમાં આજે પાંચમા દિવસે પણ ખાસ ફરક નથી પડ્યો. અમદાવાદના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપોમાં સ્ટોક ખૂટી પડ્યો છે, જ્યારે કેટલાક પેટ્રોલ પંપમાં સાદું પેટ્રોલ ખતમ થઈ જતાં પ્રિમિયમ પેટ્રોલ જ વેચાઈ રહ્યું છે, જેનો ભાવ સાદા પેટ્રોલથી ખૂબ જ વધારે છે. પેટ્રોલિયમ ડીલર્સનું કહેવું છે કે હાલ ડિમાન્ડની સામે માંડ ૪૦ ટકા જેટલા પેટ્રોલ ડીઝલ સપ્લાય થઈ રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

પેટ્રોલ ના હોવાના કારણે ટુ વ્હીલર ચાલકોને આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે, તેવી જ રીતે ડીઝલ વાહનો ધરાવતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં પેટ્રોલ ઉપલબ્ધ છે તે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો પણ જાેવા મળી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી તેમજ પ્રાઈવેટ ઓઈલ કંપનીઓ તરફથી મળતો સપ્લાય છેલ્લા ૧૫ દિવસથી ઘટી ગયો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સના સેક્રેટરી ધીમંત ઘેલાણીના જણાવ્યા અનુસાર, પેટ્રોલપંપોને જેટલી જરુર છે તેની સામે માંડ અડધો સપ્લાય આવી રહ્યો છે. ઓઈલ કંપનીઓએ જ સપ્લાય પર કાપ મૂકી દેતા આ સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે પેટ્રોલ અને ડીઝલની તંગી વધી જ રહી છે. વળી, બલ્ક કસ્ટમર્સ પણ હવે ડીઝલ લેવા રિટેઈલ પેટ્રોલપંપો પર આવતા હોવાથી તેની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે.

ઓઈલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, બલ્કમાં ડીઝલ ખરીદનારાને ઓઈલ કંપનીઓમાંથી અગાઉ સસ્તામાં ડીઝલ મળતું હતું, પરંતુ ક્રુડની કિંમત વધતા બલ્ક ડીઝલની કિંમત પણ વધારી દેવાતા હવે તેઓ પેટ્રોલપંપો પરથી તેની ખરીદી કરી રહ્યા છે. તેના લીધે રિટેઈલ પંપો પર સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓ તેમજ રિટેઈલર્સનો આક્ષેપ છે કે પ્રાઈવેટ પેટ્રોલિયમ કંપનીઓ પૂરતો જથ્થો સપ્લાય ના કરી રહી હોવાના કારણે સરકારી રિફાઈનરીઓ પર બોજ વધઈ રહ્યો છે.જાેકે, પ્રાઈવેટ ઓઈલ કંપનીઓ આ આક્ષેપને નકારી રહી છે. તેમનું કહેવું છે કે મોટાભાગના પેટ્રોલપંપ સરકારી કંપનીઓના છે. ગુજરાતમાં ૪૯૦૦ જેટલા પેટ્રોલ પંપો આવેલા છે, જેમાંથી ૯૦૦ની માલિકી પ્રાઈવેટ કંપનીઓની છે જ્યારે બાકીના સરકારી કંપનીઓ ઓપરેટ કરે છે.

માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના અન્ય કેટલાક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ જાેવા મળી રહી છે. ઘણા પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો પણ ખૂબ જ ઓછો આવી રહ્યો છે. જેના કારણે કેટલીક જગ્યાએ તો હવે્‌ બસોને ડીઝલ ભરી આપવાની ના પાડી દેવામાં આવતી હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સમસ્યા થઈ હોવાના અહેવાલ છેલ્લા કેટલાક દિવસોથી આવી રહ્યા હતા, પરંતુ સરકાર આવી કોઈ તંગી હોવાનો ઈનકાર કરતી રહી હતી. જાેકે, છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં જાેવા મળી રહેલા દ્રશ્યો સાચી સ્થિતિ શું છે તેના સાબિતી આપી રહ્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.