પેટ્રોલ પંપ માલિકની કારનો કાચ તોડી ગઠિયો ૨.૩૦ લાખ રોકડા ચોરી ગયો
સેટેલાઇટ વિસ્તારમાં આવેલી યોગાશ્રમ સોસાયટીમાં રહેતા અને નારોલમાં પેટ્રોલ પંપ ધરાવતા રાજીવભાઇ પરીખે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી
અમદાવાદ, શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. ગઇકાલે સેટેલાઇટના શિલ્પ ઝવેરી બિલ્ડિંગ પાસે પેટ્રોલ પંપ માલિકની ઇનોવા ક્રિસ્ટા કારનો કાચ તોડી રોકડા ૨.૩૦ લાખ તેમજ એચડીએફસી બેન્કની હોમલોનની ફાઇલની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે સેટેલાઇટ પોલીસે ફરિયાદ નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા માટેની તજવીજ શરૂ કરી છે.
સેટેલાઇટ વિસ્તારમાં આવેલી યોગાશ્રમ સોસાયટીમાં રહેતા અને નારોલમાં પેટ્રોલ પંપ ધરાવતા રાજીવભાઇ પરીખે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇકાલે સાંજના સાત વાગ્યાની આસપાસ રાજીવભાઇ શ્યામલ ચાર રસ્તા પાસેના શિલ્પ ઝવેરી બિલ્ડિંગ ખાતે વેસ્ટ સાઇડ શો-રૂમમાં ખરીદી કરવા માટે ઇનોવા ક્રિસ્ટા કાર લઇને ગયા હતા ત્યારે તેમણે વેસ્ટ સાડિ બહાર તેમની કાર પાર્ક કરી હતી.
રાજીવભાઇએ આઠ વાગ્યાની આસપાસ પાર્ક કરેલી તેમની કાર પાસે પરત આવીને જાેયુ તો કારનો કાચ તૂટેલો હતો. કોઇ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રાજીવભાઇની બેગમાં મૂકેલ ૨.૩૦ લાખની રોકડ રકમ, એચડીએફસી બેન્કની હોમલોનની ફાઇલ સહિત અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
રાજીવભાઇએ આ બાબતે સેટેલાઇટ પોલીસને જામ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સેટેલાઇટ પોલીસે રાજીવભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.