પેટ્રોલ મોંઘું થતાં લોકો CNG કિટ તરફ વળ્યા
કોરોના પહેલા રોજ અમદાવાદમાં ૩૦ વાહનોમાં CNG કિટ ફિટ કરાતી હતી, હાલમાં રોજની ૬૦ જેટલી સીએનજી કિટ પેટ્રોલ વાહનમાં ફિટ કરાઈ રહી છે અને રોજની 100 ઈન્કવાયરી આવે છે
અમદાવાદ, પેટ્રોલના ભાવમાં વધારો થતા હવે પોતાની કાર સીએનજી પર દોડાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના મહામારી પછી પોતાની કારને પેટ્રોલ પરથી સીએનજી પર દોડાવવા માગતા લોકોની સંખ્યા વધી ગઈ છે. પેટ્રોલનો ભાવ લગભગ ૮૮ રુપિયા લીટર પર પહોંચી ગયો છે.
આવામાં શહેરમાં પોતાની કારમાં સીએનજી કિટ ફિટ કરાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. સીએનજી કિટનું કામ કરતા લોકો પાસે આવતા ગ્રાહકોની સંખ્યા અચાનક વધી છે અને તેના માટેની ઈન્ક્વાયરિઓ પણ વધી ગઈ છે. કોરોના પહેલા શહેરમાં લગભગ દિવસના ૩૦ વાહનો આવતા હતા કે જેમાં સીએનજી કિટ ફિટ કરવામાં આવતી હતી.
પરંતુ લોકડાઉન લાગ્યા પછીના સમયમાં રોજની ૪૫ જેટલી કાર આવતી થઈ હતી જેમાં સીએનજી કિટ ફિટ કરવામાં આવતી હતી. પરંતુ હવે પેટ્રોલના ભાવમાં વધારો થતા રોજની ૬૦ જેટલી સીએનજી કિટ પેટ્રોલ વાહનમાં ફિટ કરાઈ રહી છે. આ સિવાય શહેરમાં બીએસ વીઆઈ વાહનો માટેની રોજની ૧૦૦ જેટલી ઈન્ક્વાયરિઓ આવે છે.
RTO દ્વારા હજુ સુધી બીએસ વીઆઈ વાહનમાં સીએનજી કિટ માટે અપ્રુવલ આપવામાં નથી આવી. શહેરમાં સીએનજી ફિટિંગ માટેની એજન્સી ચલાવતા અમિત ઉપાદ્યાય જણાવે છે કે, જેમણે ૨૦૨૦માં વાહન ખરીદ્યા છે તેઓ ઈન્ક્વાયરિ કરી રહ્યા છે. આ લોકોને આરટીઓ તરફથી મંજૂરી ન મળી હોવાથી કારના માલિકોને ઈન્સ્યોરન્સ ક્લેમ કરવામાં તકલીફ ઉભી થઈ રહી છે.
અમિત વધુમાં જણાવે છે કે, પેટ્રોલના ભાવમાં ઉછાળો થયા પછી ઈન્ક્વાયરિઓ વધી છે. તેઓ કહે છે કે, પહેલા, એક દિવસમાં બે વાહનો આવતા હતા જેને અમે સીએનજી પર કન્વર્ટ કરતા હતા પણ હવે એક સંખ્યા ડબલ થઈ ગઈ છે. અન્ય સીએનજી કિટ ફિટિંગનું કામ કરતા કુલદીપ વોરાએ જણાવ્યું કે, લોકડાઉન પહેલા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાનું વાહન ઉપયોગમાં લેતા હતા.
પરંતુ ઓફિસો ફરી ખુલ્યા પછી અને પેટ્રોલના ભાવમાં વધારો થતા લોકોને પોતાનું વાહન લઈને ટ્રાવેલિંગ કરવું મોંઘું પડી રહ્યું છે, માટે પોતાની કારને પેટ્રોલમાંથી સીએનજીમાં કન્વર્ટ કરાવવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે.