Western Times News

Gujarati News

પેટ ડોગના બર્થ ડેની પાર્ટી કરવા બદલ ત્રણની ધરપકડ

અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં શુક્રવારની રાતે પેટ ડોગના જન્મદિવસની પાર્ટી કરવા બદલ પોલીસે ૩ લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધુવન પાર્ટી પ્લોટમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ગાયકને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેમજ બર્થડેના આયોજનમાં લાખો રુપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ચિરાગ ઉર્ફે ડાગો પટેલ, ઉર્વીશ પટેલ અને દિવ્યેશ મહેરિયાનો સમાવેશ થાય છે.

નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાતે ચિરાગ પટેલ સહિત ૩ જણાએ પોતાના પાલતુ પ્રાણી એબ્બીની ૨ વર્ષની જન્મદિવસની ઉજવણી માટે નિકોલ મધુવન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને મોં પર માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને અન્ય વ્યક્તિઓની જિંદની જાેખમમાં મુકાય તે રીતે કેક કટિંગ કરીને રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર કોરોના રોગચાળાને અનુસંધાને લોકોના ટોળા એકઠા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિકોલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

દરમિયાન પોલીસને બાતમી મળી કે, નિકોલ મધુવન પાર્ટી પ્લોટમાં ચિરાગ પટેલ નામનો શખ્સ કોરોના રોગની માહમારી વચ્ચે જરૂરી અંતર ન જાળવી અન્ય વ્યક્તિઓની જિંદગી જાેખમમાં મુકાય તે રીતે પોતાના પાલતુ ડોગની ૨ વર્ષની જન્મદિવસની ઉજવણી કરવા માટે પોતાના મિત્રો અને સંગા સંબંધીઓને ભેગી કરીને કેક કાપી રાસ ગરબાનું આયોજન સાથે ઉજણી કરી રહ્યો છે.

બાતમી મળતા જ પોલીસે ત્યાં જઈને તપાસ કરતા સદર પાર્ટી પ્લોટ ખાતે કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જ તેમજ જરૂરી અંતર ન જાળવીને અન્ય રાસ ગરબા રમતા હતા. આ મામલે પોલીસે બોલાવતા ચિરાગ પટેલ, ઉર્વીશ પટેલ અને દિવ્યેશ મહેરિયા ત્યાં આવ્યા હતા પોલીસે પૂછ્યું કે, ઉજવણી માટે કોઈ મંજૂરી લીધી છે કે કેમ? ત્યારે તેઓએ ના પાડી હતી.

જેથી નિકોલ પોલીસે કોરોના મહામારી દરમિયાન કમિશનરના જાહેરનામાના ભંગ માટે ત્રણેય સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મધુવન પાર્ટી પ્લોટમાં પેટ ડોગના બર્થ-ડેની ઉજવણી દરમિયાન સિંગરે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

જેના ફોટા અને વિડોયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તે મુજબ પાર્ટી પ્લોટના એન્ટ્રી ગેટ પર મોટી સાઈઝની તસવીરો મૂકવામાં આવી હતી. બર્થ-ડે પાર્ટીમાં સિંગરે સૂર રેલાવ્યા હતા અને લોકો પણ રાસની રમઝટ બોલાવીને ડોગના બર્થ ડે સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે આવી ઉજવણી અને માનવભૂલને કારણે સંક્રમણ વધુ ફેલાઈ શકે છે જેથી લોકોએ કોરોનાની ગાઈડલાઈન અનુસરવની ખૂબ જ જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.