પેપરલીકને લઈ વિવાદમાં રહેલી હેડકલાર્કની ૨૦મીએ પરીક્ષા
અમદાવાદ, વર્ષ ૨૦૨૧ના વર્ષમાં પેપરલીક થવાના કારણે સૌથી વિવાદાસ્પદ રહેલી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા આગામી ૨૦મી માર્ચના રોજ યોજાવાની છે. હેડ કલાર્કની પરીક્ષાને લઈ કોઈ ગરબડ ન થાય તેને લઈ તંત્ર સતર્ક બન્યું છે. એ પરીક્ષા યોજાય એ પહેલાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જ્યાં આ પરિક્ષાના કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની છે તે તમામ શાળા આચાર્યની બેઠક બોલાવી છે.
આ પરીક્ષામાં કોઈ ગરબડ ના થાય અને તમામ વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાય તેનું આયોજન કરવા ૧૬૩થી વધુ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને ભેગા કરી પરીક્ષામાં કોઈ ખામી ન રહી જાય તેની સમજ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૨૦ માર્ચના રોજ વિવિધ ખાતાઓની કચેરીમાં હેડ ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાવાની છે.
૧૮૨ જગ્યા માટે ૨ લાખ ૪૦ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. શાળાઓના આચાર્યને સ્થળ સંચાલક તરીકે નિમણુંક આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે લોહીના સંબંધ ધરાવનાર ઉમેદવાર પરીક્ષામાં બેસનાર નથી તેવા કર્મચારીઓની નિમણુક કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પરીક્ષામાં રહેનાર જરૂરી સ્ટાફની વિગતોની હાર્ડ કોપી ક્યાં અધિકારીઓને પહોંચાડવી તેની વિગતો આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત ૧૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લેવાયેલી હેડકલાર્કની પરીક્ષા પેપરલીક કાંડને લઈ વિવાદમાં સપડાઈ હતી.
આ પેપરલીક કાંડના તાર સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સુધી પહોંચ્યા હતા. અને વારંવાર પેપરલીકની ઘટનાઓને પગલે સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. અને ઉમેદવારોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે વિવાદ અને વિરોધ બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. એટલુંજ નહિ હાલમાં જ આસિત વોરાનું ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામુ પણ લઈ લેવાયું હતું. આ પરીક્ષા આગામી ૨૦ માર્ચે લેવામાં આવશે. આ પરીક્ષાને લઈ તંત્ર વધુ સતર્ક બન્યું છે.SSS