પેપર નબળાં જતાં ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી
રાજકોટ, રાજકોટમાં ધોરણ-૧૦ના બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીએ પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી છે તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ૨૮ માર્ચ ૨૦૨૨થી શરૂ થઇ છે. મૃતક વિદ્યાર્થિનીના બંને પ્રથમ પેપર નબળા જતા તેણે આપઘાત કરી લીધો હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.ગુરૂવારના રોજ વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ લઈ જઇ પોતાના પર છાંટી આગ ચાંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મૃત્યું નીપજયું હોવાનું સામે આવ્યું છે. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિદ્યાર્થિનીનો પરીક્ષા માટે નંબર કડવીબાઈ વિદ્યાલયમાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.SSS