પેપર મિલમાં લાગેલી આગ ૧૪ કલાક બાદ પણ બેકાબૂ
મોરબી: વાંકાનેરના માટેલ પાસે એક્સેલ પેપર મિલમાં મંગળવારે સાંજથી આગ લાગી છે. આ આગ આજે બુધવારે સવાર સુધીમાં પણ બુઝાઇ નથી. વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી, વાંકાનેર, હળવદ અને રાજકોટના ફાયર વિભાગની ટીમો આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે.
મોરબીમાં ફાયર સુવિધાઓનો અભાવ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ વિકરાળ આગને કારણે ૮ કરોડ રૂપિયાનો ૩૫૦૦થી ૪૦૦૦ ટનનો કાચો માલ બળીને ખાખ થઇ ગયો છે.
સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હજી આ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપરમિલમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. જેમાં સતત ૧૪ કલાકથી વધુ સમયથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પેપરમિલમાં રહેલો કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને રાજકોટ સહિતની ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી છે.
જાેકે, આગ કાબુમાં લેવાના ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી આગ ધણી જ વધી હતી. જે બાદ સાજે જ રાજકોટ ફાયર વિભાગની ટીમને જાણ કરતાં રાજકોટ ફાયર વિભાગની બે ટિમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી પરંતુ આગ ૧૪ કલાક બાદ પણ કાબુમાં આવી નથી.
એક્સેલ પેપરમિલ માલિક, લલિત પટેલના જણાવ્યા પ્રમાણે, આગના લીધે ૩૫૦૦થી ૪૦૦૦ ટન જેટલો કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો જેના લીધે ૮ કરોડથી વધુનું નુકશાન થયું હોવાની આશંકા છે.
વાંકાનેર પ્રાંત અધિકારી, એમ. એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને વાંકાનેર પ્રાંત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આગ ક્યાં કારણથી લાગી તેનું નકકર તારણ બહાર આવ્યું નથી. પરંતુ હાલ આગને કાબુમાં કઈ રીતે લેવી તે પ્રયાસો હાથ ધરાયાં છે.
મહત્વનું છે કે, મોરબીના ફાયર વિભાગ આગને કાબુમાં લેવા પૂરતા સંસાધનો ન હોવાથી વમળુ સાબિત થયું હોવાનું દેખાઇ રહ્યું છે. ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળ ફાયર સુવિધાઓનો અભાવ હોવાનું વાંકાનેર પ્રાંત અધિકારીએ પણ કબુલ્યું હતું.