પેમેન્ટ અને ડામરના અભાવે રોડના કામો ઠપ્પ
શહેરીજનોને ધૂળિયાં અને ડીસ્કો રોડ પર દિવાળીની ઉજવણી કરવાની ફરજ પડી શકે છે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકોને “ડીસ્કો રોડ” પર જ દિવાળીની ઉજવણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાેકે, તેના માટે ઈજનેર વિભાગ નહીં પરંતુ અન્ય પરીબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોના અને લોકડાઉન બાદ માંડ-માંડ શરૂ થયેલા રોડ-રસ્તાના કાચની ઝડપ પર બ્રેક વાગી રહી છે. મ્યુનિ.ઈજનેર વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૧૬ હજાર કરતા વધુ ખાડા ભરવામાં આવ્યા હતા તથા ૨૨ ઓક્ટોબર સુધી ૯ લાખ ૧૫ હજાર ટન હોટમીક્ષનો વપરાશ કરવામાં આવ્યો હતું. મનપા દ્વારા જે સ્થળેથી ડામર ખરીદી કરવામાં આવી રહી છે તે સ્થળે ડામરનો સ્ટોક ખલાસ થઈ ગયો હોવાથી રોડના કામ ધીમા પડી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આઈ.ઓ.સી.એલ.પાસેથી ડામરની ખરીદી કરવામાં આવે છે.
પરંતુ હાલ, આઈ.ઓ.સી.એલ.માં જ પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ નથી. જેના કારણે સપ્લાય બંધ છે. ડામરની આવક બંધ થવાના કારણે હોટમીક્ષ પ્લાન્ટ અને પેવરના કામ પણ ધરી રહ્યાં છે. તથા અગાઉ કરતા માત્ર ૨૫થી ૩૦ ટકા જ કામ થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન પાસે ડામર ખરીદીનો બીજાે પર્યાય પણ ઉપલબ્ધ છે. તંત્ર બી.પી.સી.એલ.પાસેથી ડામર ખરીદ કરી શકે છે. પરંતુ તેમાં ત્રણ દિવસે ડીલીવરી મળે છે. તેથી હાલ ઓર્ડર આપવામાં આવે તો માલનો જથ્થો મળે ત્યાં સુધી તહેવારોના દિવસો શરૂ થઈ શકે છે. તહેવાર શરૂ થવાના કારણે મજૂરો પર વતન જતા રહેશે. તેથી રોડ-રસ્તાના કામ પણ બંધ થઈ જશે. જેના કારણે તંત્ર આઈ.ઓ.સી.એલ. પર જ નિર્ભર રહી શકે છે. આઈ.ઓ.સી.એલ.દ્વારા દિવાળી બાદ પર્યાપ્ત માત્રામાં ડામર સપ્લાય મળી જશે તેવી આશા ઈજનેર અધિકારીઓ રાખી રહ્યાં છે.
શહેરમાં રોડ-રસ્તાના કામની ઝડપ ઓછી થવા માટે ડામર ઉપરાંત પેમેન્ટ પણ મોટું પરિબળ બની રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ઈજનેર અધિકારીઓના ભરોસે કોન્ટ્રાક્ટરોએ રોડ-રસ્તાના કામ શરૂ કર્યા હતા. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશન તરફથી સમયસર પેમેન્ટ મળી રહ્યા નથી. મંદીના માહોલમાં કોન્ટ્રાક્ટર દીઠ રૂા.એકથી પાંચ કરોડ સુધીના બીલ મંજૂર થઈ ગયા છે. પરંતુ પેમેન્ટ થયા નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરો પણ આગળ ચૂકવણી કરી શકે તેવી સ્થિતિમાં નથી. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દિવાળી પહેલા તમામ બાકી પેમેન્ટની ચૂકવણી કરવા ખાતરી આપવામાં આવી છે.
દિવાળી સુધી કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ થઈ જશે તો દેવ દિવાળી બાદ ફરીથી કામોનો ધમધમાટ શરૂ થઈ જશે. શહેરના અનેક વિસ્તારોમાં રહેલા રોડ રીપેર કરવાના બાકી છે. તથા કેટલાંક વિસ્તારોમાં ઈજનેર વિભાગ દ્વારા બેઝ્ડ બનાવવા માટે ખાડા ખોદીને મૂકવામાં આવ્યા છે. પરંતુ ૧૫ દિવસથી તેમાં વધુ કામ થઈ શક્યા નથી. મ્યુનિ.કોર્પાેરેશનને સમયસર ડામર અને કોન્ટ્રાક્ટરોને સમયસર પેમેન્ટ નહીં મળે તો નાગરીકોને “ધૂળિયા” અને “ડીસ્કો રોડ” પર દિવાળી ઉજવણી કરવાની ફરજ પડી શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.