પેરોલ જમ્પ કરનાર રાધિકા જીમખાના કેસનો આરોપી રીલીફ રોડથી ઝડપાયો
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યનાં પોલીસવડાનાં આદેશ બાદ હાલમાં પેરોલ ફર્લાે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ સક્રિય થઈ છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી દરમિયાન પેરોલ જમ્પ કરીને ભાગેલો રાધિકા જીમખાના હત્યાકાંડનો એક આરોપ ઝડપાયો છે.
આ અંગેની વિગત એવી છે કે, ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એન.આર.બ્રહ્મભટ્ટને પેરોલ જમ્પ આરોપી અને પાકા કામનો કેદી જાવેદખાન ઊર્ફે જાઈદ અજીજખાન પઠાણ (આશીયા એપાર્ટમેન્ટ, દરીયાપુર) અંગે બાતમી મળી હતી. જેને આધારે તેમણે રીલીફ રોડ ખાતે વોચ ગોઠવી હતી અને તેને ઝડપી લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવા તજવીજ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૨માં ઓઢવ વિસ્તારનાં રાધિકા જીમખાનામાં ફાયરીંગ કરીને લતીફ ગેંગના સભ્યો આઠ જેટલાં વ્યક્તિની હત્યા કરી હતી. જે ગુનામાં જાવેદ સજા ભોગવી રહ્યો હતો. તે આ કેસનાં મુખ્ય ભાગેડું આરોપી શરીફખાન ઊર્ફે એસ.કે.નો ભાઈ છે. જાવેદ ૨૩ જુલાઈ ૨૦૨૦થી ૩૦ દિવસની પેરોલ રજા ઉપર હતો. પરંતુ ત્યારબાદ જેલમાં પરત ફર્યાે નહતો.