પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટારૂઓએ રિક્ષાચાલકને લૂંટી છરીના ઘા ઝીંકી દીધા
અમદાવાદ, શહેરના અસારવા વિસ્તારમાં ચાઇના ગેંગનો આતંક દિવસે ને દિવસે એટલી હદે વધી રહ્યો છે કે સ્થાનિક રહીશો સહિત પોલીસ પણ તે ગેંગથી ત્રાસી ગઇ છે. અસારવામાં મોડી રાત્રે ચાઇના ગેંગના સભ્યોએ રિક્ષાચાલક પર છરી વડે હુમલો કરીને લૂંટ કરતાં ચકચાર મચી ગઇ છે. પેસેન્જરના સ્વાંગમાં આ ગેંગ કાલુપુર રેલવે સ્ટેશનથી બેઠી હતી અને નાના ચિલોડા જવાનું કહીને રિક્ષાને અસારવા લઇને આવી.
શહેરકોટડા વિસ્તારમાં આવેલી મુનશીની ચાલીમાં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા રામપ્રતાપસિંગ ભદોરિયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની તેમજ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.
છેલ્લા પાંચ વર્ષથી રામપ્રતાપસિંહ કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રિક્ષા ચલાવે છે. ગઇકાલે મોડી રાતે રામપ્રતાપસિંગ કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરની રાહ જાેઇને ઊભા હતા ત્યારે ત્રણ યુવકો પેસેન્જરના સ્વાંગમાં આવ્યા હતા અને નાના ચિલોડા જવાની વાત કરી હતી.
રામપ્રતાપસિંગ નાના ચિલોડા જવા માટે તૈયાર થઇ ગયા હતા પરંતુ તે તેમની સાથે ઘટવાની ઘટનાની અજાણ હતા. ત્રણ પેસેન્જર યુવક પૈકી એક યુવકે રામપ્રતાપસિંહને કહ્યું હતું કે અસારવા ખાતે એક યુવકને ઉતારવાનો છે અને ત્યાંથી એક ભાઇને ટિફિન સાથે લેવાનો છે અને પછી ચિલોડા જવાનું છે.
ત્રણેય યુવકને બેસાડીને રાસપ્રતાપસિંગ કાલુપુર રેલવે સ્ટેશનથી નીકળ્યા હતા અને અસારવા રેલવે યાર્ડની બાજૂમાં તૂટી ગયેલી પોલીસ લાઇનની સામે રિક્ષા ઊભી રાખી હતી. રિક્ષા ઊભી રહેતાની સાથે જ ત્રણેય જણા છરીઓ લઇને ઊતરી ગયા હતા અને રામપ્રતાપસિંગને કહેવા લાગ્યા હતા કે તારી પાસે જે કાંઇ પણ હોય તે આપી દે નહીં તો જાનથી મારી નાખીશુ.
ગભરાઇ ગયેલા રામપ્રતાપસિંગ કાંઇ બોલે તે પહેલા ત્રણેય લૂંટારુઓએ તેમના ખિસામાંથી ૧૫૦૦ રૂપિયા તેમજ મોબાઇલ ફોન અને ડ્રાઇવિંગ લાઇસન્સ લૂંટી લીધા હતા અને તેમના ઉપર છરી વડે હુમલો કર્યો હતો. રામપ્રતાપસિંગનો પેટના ભાગે તેમજ સાંથળના ભાગે છરીના ઘા વાગતા તે ઇજાગ્રસ્ત થયા હતા.
જ્યારે ત્રણેય લૂંટારુો નાસી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં રામપ્રતાપસિંગે રિક્ષા ચાલુ કરીને ભાગવાની કોશિશ કરી હતી. જાેકે રિક્ષા ચાલુ નહીં થતાં તે દોડતા દોડતા એક ચાલીમાં જતા રહ્યા હતા. રામપ્રતાપસિંગને લોહીલુહાણ હાલતમાં જાેઇને સ્થાનિક દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.