પેસેન્જરને નશીલા બિસ્કિટ ખવડાવીને ચાલુ ટ્રેનમાં લૂંટી લીધો
અમદાવાદ, ટ્રેનમાં કોઈ અજાણ્યો પેસેન્જર ખાવા પીવાની ચીજવસ્તુ આપવાનો આગ્રહ કરે તો ચેતી જજાે, નહીં તો તમારી પાસે રહેલી કીમતી ચીજવસ્તુઓ ચોરાઈ જશે. ખાવા પીવાની ચીજવસ્તુઓમાં નશીલી દવા ભેળવી હોય છે જે ખાવાથી તમે તરત જ બેભાન થઈ જશો.
અમદાવાદથી ભોપાલ જઈ રહેલા પેસેન્જરને નશીલાં બિસ્કિટ ખવડાવીને લૂંટી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોપાલના યુવકે ભોપાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે ઝીરો નંબરથી ટ્રાન્સફર થઇને રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં આવી છે.
ભોપાલમાં રહેતા શિવશંકર રાવે પોલીસ ફરિયાદ આપી છે કે તે થોડાક દિવસ પહેલાં તેના વતન ભોપાલ જવા અમદાવાદથી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં જતો હતો ત્યારે અજાણ્યો પેસેન્જર તેની પાસે આવ્યો હતો અને વાતચીત કર્યા બાદ બિસ્કિટ ખાવા માટેની જીદ કરી હતી. પહેલાં શિવશંકરે બિસ્કિટ ખાવાનો ઈનકાર કરી દીધો હતો.
જાેકે પેસેન્જરના આગ્રહ બાદ તેણે બિસ્કિટ ખાઈ લીધાં હતાં. બિસ્કિટ ખાતાંની સાથે જ શિવશંકર બેભાન થઇ ગયા હતા અને જ્યારે તે હોશમાં આવ્યા ત્યારે તેમનું પર્સ અને મોબાઈલ ફોન ગાયબ હતાં. શિવશંકરે તરત જ ભોપાલ પોલીસમાં જઈને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ઝીરો નંબરથી ટ્રાન્સફર થઇને અમદાવાદ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ મુંબઈમાં રહેતા પન્નાબહેન આદેશરાએ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. પન્નાબહેન થોડાક સમય પહેલાં બહેનના ઘરે રાજકોટ આવવા માટે સૌરાષ્ટ્ર મેલ ટ્રેનથી નીકળ્યા હતાં. બીજા દિવસે તેઓ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં ત્યારે પન્નાબહેનને ખબર પડી હતી કે તેમનું પર્સ ચોરાઈ ગયું છે.
પન્નાબહેનને શંકા છે કે તેમની સીટ પાસે બેઠેલા એક અજાણ્યા શખ્સે તેમના પર્સની ચોરી કરી છે જેમાં સોનાના દાગીના સહિત કુલ ૧.૮૨ લાખનો મુદ્દામાલ હતો. આ સિવાય બેંગલુરુના વન રાજેશ્વરકુંજ ખાતે રહેતાં શીતલબહેન ભાણાવતે ૮.૭૮ લાખની ચોરીની ફરિયાદ કરી હતી.
તારીખ ૧૮ ઓગસ્ટના રોજ શીતલબહેન બેંગલુરુ-જાેધપુરની ટ્રેનમાં મુસાફરી કરવા માટે બેઠાં હતાં. બીજા દિવસે ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે તેઓ જાગી ગયાં હતાં. વહેલી સવારે ઉઠીને જાેયું તો શીતલબહેનનું ક્રીમ કલરનું પર્સ ગાયબ હતું.
શીતલબહેને આસપાસ પર્સ શોધવાનો પ્રયત્ન કર્યાે પરંતુ તે નહીં મળતાં અંતે તેમણે રેલવે પોલીસમાં ફરિયાદ આપી હતી.
કોઈ અજાણ્યા શખ્સે કોચમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શીતલબહેનના પર્સમાં સાડા આઠ લાખ રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન હતો.