પૈસાની લેતી-દેતીમાં ત્રણ શખ્સોએ આધેડને ચપ્પાના ઘા ઝીંકી દીધા

Files Photo
અમદાવાદ, રામોલમાં પૈસાની લેતી-દેતી બાબતમાં ત્રણ શખ્સોએ આધેડ પર ચપ્પાના ઘા ઝીંક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
રામોલમાં રહેતા ભિકમસિંહ ખટીકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભિકમસિંહ ઓર્ડરથી રસોઇ તૈયાર કરવાનું કામ કરે છે અને તેમની સાથે અન્ય આઠ-દસ કારીગર પણ કામ કરે છે, જેમાં અમરાઇવાડીમાં રહેતો મોહન ભગેલ તેમની સાથે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે અને વિક્કી તેની રિક્ષા લઇ મજૂરોને મુકવા માટે આવે છે. ભિકમસિંહ મોહનને દસ હજાર રૂપિયાનો ઉપાડ આપ્યો હતો. ત્યારબાદ છેલ્લા પાંચ- છ દિવસથી મોહન કામ પર આવતો ન હતો, જેથી ભિકમસિંહે મોહન પાસે દસ હજાર રૂપિયા પાછા આપી દેવા અથવા તો કામ પર આવવા માટે વાત કરી હતી.
ગઇકાલે ભિકમસિંહના ઘરના સભ્યો ઘરમાં હાજર હતા તે વખતે રાતના સમયે વિક્કી બગડેએ બે અજાણ્યા શખ્સો સાથે ભિકમસિંહના ઘરે આવીને કહ્યું કે તમે મોહન પાસે ઉપાડના પૈસા કેમ પાછા માગો છો ? તેણે આમ કહી ગાળો બોલી ભિકમસિંહને મારવાનું શરૂ કર્યું હતું અને જાેતજાેતામાં વિક્કીએ ભિકમસિંહને ચપ્પુ કાઢી ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો ભાગી ગયા હતા.
ત્યારબાદ ભિકમસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભિકમસિંહે સારવાર દરમિાયન વિક્કી સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.