પૈસા આપવાના ઝઘડામાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં ગતરાત્રે કેમેરો ખોવાયા બાદ પૈસા આપવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન એક યુવાને બંદૂકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લિંબાયત પોલીસે આ મામલે સામ સામે ફરિયાદ નોંધી ફાયરિંગ કરનાર સહિત ત્રણની અટકાયત કરી છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતના લિંબાયત ગોડાદરા માનસરોવરની પાછળ ધીરજનગર સોસાયટી વિભાગ ૧ પ્લોટ નં.૧૨૪માં રહેતો ૧૭ વર્ષીય બેકાર રવિ શિરોમણસિંગ ઠાકુર ગતરાત્રે ૮.૩૦ કલાકે મિત્ર મહેશ સાથે લિંબાયત વૃંદાવન સોસાયટી વિભાગ ૧ એસએમસીના ખુલ્લા પ્લોટ પાસે બેઠો હતો. આ સમયે મહેશે જેને કેમેરો ભાડે આપ્યો હતો
તે ગોપલાનગરના રાજકુમારનો ફોન આવ્યો હતો. રાજકુમારે મહેશ સાથે ઝઘડો કરી ગાળો આપતા રવિએ ફોન લઇ મહેશને કેમેરો પરત કરવા કહ્યું હતું. જોકે, ત્યાં રાજકુમારે સાથે ઉભેલા દેસરાજને ફોન આપતા ‘કેમેરો નહીં મળે. તારે જે કરવું હોય તે કરી લેજે’ કહી ગાળો આપી ‘તું ત્યાં જ રહેજે, હું હમણાં આવું છું’ કહી ફોન કાપી નાખ્યો હતો. અડધો કલાક બાદ દેસરાજ, રાજકુમાર, જીતુ પરિહાર અને વિનોદ યાદવ ત્યાં આવ્યા હતા. તેઓ આવતા મહેશ ત્યાંથી ભાગી ગયો હતો. વિનોદ અને રાજકુમાર પકડવા આવતા રવિએ વિનોદને માર માર્યો હતો. જોકે, બંનેએ તેને પકડી રાખી દેસરાજ અને જીતુએ લાકડાના ફટકા વડે માર માર્યો હતો.
તે સમયે મહેશ રવિના બે મિત્રો વિકાસ ઉર્ફે નેપાળી અને અનિસને બોલાવીને ત્યાં લઇ આવ્યો હતો. અનિસ પાસેની બંદૂક લઈ વિકાસ ઉર્ફે નેપાળીએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેઓ ભાગી છૂટયા હતા. બનાવની જાણ થતા લીંબાયત પોલીસે રવિ ઠાકુર અને વિનોદ યાદવની સામસામી ફરિયાદ નોંધી ફાયરિંગ કરનાર વિકાસ ઉર્ફે નેપાળી સહિત ત્રણની અટકાયત કરી છે.sss