પૈસા માટે ડૉક્ટર દંપતીના દીકરાના અપહરણનો પ્લાન બનાવ્યો હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Kidnape-1024x683.jpg)
રાજકોટ, શહેરમાં ડૉક્ટર દંપતીના ૧૬ વર્ષના છોકરાનું અપહરણનો પ્રયાસ કરવાના કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચે ૫ લોકોની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં હજુ પણ બે લોકો ફરાર છે, જેમની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની ધરપકડ થયા બાદ તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આરોપીઓમાંથી એકનું ડૉક્ટર દંપતીના ઘરે આવવા-જવાનું રહેતું હતું અને હિસાબનું કામ જાેવાનું થતું હતું. આમાંથી કેટલાક આરોપીઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું અને તેમની ત્યાંથી મિત્રતા થઈ હતી.
આ પછી તેમણે ડૉક્ટરના દીકરાનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે રાજકોટના રહેવાસી કેવલ સાંચણિયા, સુરેન્દ્રનગરના પાટડીના સંજય ડાભી અને સુરેશ ઠાકોર જ્યારે પાટણના ખાંડીયાના ચિરાગ ઠાકોર અને સંજય ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કેસમાં બે આરોપીઓ કે જેમની ઓળખ જયપાલસિંહ રાઠોડ અને સંજયસિંહ તરીકે થઈ છે તેઓ ફરાર છે, આ બન્ને આરોપીઓ અરવલ્લી જિલ્લાના મેઘરજના છે.
આ અપહરણનો પ્લાન ઝડપાયેલા ૫ આરોપીઓમાંથી રાજકોટના કેવલ અને સંજય દ્વારા કરવામાં આવ્યો હતો, આ બન્નેને રૂપિયાની સખત જરુરી હતી. કેવલ સાંચણિયાને તેની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો તેની કાયદાકીય લડત માટે રૂપિયાની જરુર હતી, જ્યારે સંજય ડાભી પાસે પાછલા કેટલાક સમયથી નોકરી નહોતી.
કેવલ ડૉ. જીજ્ઞેશ સી. ખંધડિયાના પરિવારને ઓળખતો હતો કારણ કે તેણે ડૉક્ટરના ભાઈ કે જેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે તેમની સાથે કામ કર્યું હતું.
હિસાબનું કામ હોય ત્યારે કેવલ ખંધડિયા ડૉક્ટર દંપતીના ઘરે જતો હતો. સંજય ડાભી અને ફરાર જયપાલસિંહ રાઠોડ બન્નેએ ૧૧ મહિના કોન્ટ્રાક્ટ પર કામ કર્યું છે. જાેકે, કોન્ટ્રાક્ટ પતી ગયા પછી તેઓ પોત-પોતાના ગામ જતા રહ્યા હતા.
એક મહિના પહેલા કેવલ અને સંજયે પોતાને પડતી આર્થિક તંગી દૂર કરવા માટે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. આ પછી કેવલે ડૉક્ટર જીજ્ઞેશ ખંધડિયાના દીકરાનું અપહરણ કરવાનો આઈડિયા આપ્યો હતો. કારણ કે સંજય તેમનો હિસાબ જાણતો હતો અને તેને ખબર હતી કે ડૉક્ટર પાસે બહુ રૂપિયા છે.
આ પછી તેમણે જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કર્યો કે જેને અપહરણ માટે માણસો લાવવાની સાથે સીમકાર્ડ અને કારની વ્યવસ્થા કરવાની કામગીરી સોંપી હતી, જયપાલસિંહે ખાંડિયાના સુરેશનો સંપર્ક કર્યો કે જેની પાસે કાર હતી, ચિરાગ ઠાકોરે કોઈ બીજાના નામે સીમકાર્ડ ખરીદ્યું હતું. જ્યારે સંજય ઠાકોરને કાર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૧૬ તારીખે જયપાલસિંહે ૧૬ વર્ષના ડૉક્ટરના દીકરાને કૂરિયર આપવાની વાત કરીને ઘરની નીચે બોલાવ્યો હતો.SS1MS