પોકમાં ભારતની લશ્કરી કાર્યવાહી
નવીદિલ્હી, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારના રોજ જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં લોન્ચપેડસને નિશાન બનાવીને હુમલો કરતાં ખાસ્સું નુકસાન થયાના સમાચાર છે. પાકિસ્તાની અખબાર ‘ડોન’ના મતે લેપાઘાટીમાં એક મહિલાનું મોત થયું જ્યારે ચાર લોકો ઘાયલ થયા. પાકિસ્તાની મીડિયામાં જે વિઝ્યુઅલ ચાલે છે તેમાં કેટલીક ઇમારતો ધરાશાયી થયેલી અને મોટું નુકસાન દેખાઇ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ભારતની તરફથી આટલું ભારે શેલિંગ પહેલાં કયારેય થયું નહોતું. એક રિપોર્ટના મતે શનિવાર વહેલી સવારે ચાર વાગ્યે મોર્ટાર અને મીડિયમ રેન્જ આર્ટિલરીથી એટેક કર્યો. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ નૌગામ અને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડાના જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા.