પોઝિટિવિટી રેટ ૧.૫%થી વધીને ૮.૫ ટકા થયો
અમદાવાદ: ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણને પગલે એક તબક્કે ૧.૫ ટકા સુધી પહોંચી ગયેલો પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યનો સરેરાશ પોઝિટિવિટી રેટ વધીને ૮.૫ ટકા જેટલો થઈ ગયો છે. પરંતુ જાે જિલ્લા અને શહેર અનુસાર જાેઈએ તો સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે જ્યાં પોઝિટિવિટી રેટ વધીને ૧૬ ટકા જેટલો થઈ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧.૮૦ લાખ ટેસ્ટ કરાયા હતા. તેની સામે ૧૪૨૯૬ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે કોરોના વધુ ૧૫૭ લોકોને ભરખી ગયો છે. જાે સરકારી ચોપડાની વાત કરીએ તો તેમાં પણ અમદાવાદનો પોઝિટિવિટી રેટ ૧૬ ટકા, મહેસાણા ૧૧, વડોદરા ૧૦, જામનગર ૧૩, ભાવનગર ૫.૨, સુરત ૫, ગાંધીનગર ૪.૫, રાજકોટ અને જુનાગઢ ૩.૫ ટકા નોધાયો છે.
જાેકે આ આંકડા સરેરાશ દૈનિક ટેસ્ટિંગના સાપેક્ષમાં છે અને તે પણ સરકારી ચોપડે નોંધાયેલા. પરંતુ હવે કોરોના સંક્રમણ મહાનગરોથી બહાર નીકળીને આસપાસના નગરો અને ગામડાઓમાં પસરી રહ્યું છે. દૂરસુદૂરના જિલ્લાઓના અંતરિયાળ પીએચસી, સીએચસી સેન્ટરમાં વ્યવસ્થા ઉભી કરવાની નોબત આવી છે. જાેકે આ વ્યવસ્થાઓ પણ પડી ભાંગી રહી છે. મહાનગરો સિવાયના જિલ્લાઓમાં જિલ્લા હોસ્પિટલોમાં પણ વ્યવસ્થાના ચીથરે ચીથરા ઉડી રહ્યા છે.
સૌથી વધુ બનાસકાંઠા, પાટળ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્ર નગર, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં હાલત અત્યંત ખરાબ બની રહી છે. અનેક એવા નાના નાના ગામડાઓ છે જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે અનેક દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. જ્યારે બાકીનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતા શહેરો સુધી ટેસ્ટ કરાવવા પહોંચી શકતા નથી. દરમિયાન અમદાવાદમાં ૫૭૯૦ અને ગ્રામ્યના ૭૪ એમ કુલ મળઈને ૫૮૬૪ દર્દીઓ ઉમેરાયા છે.
જેની સામે શહેરના ૨૭ અને ગ્રામ્યના ૨ મળી કુલ ૨૯ દર્દીઓ કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. જ્યારે બીજા સૌથી પ્રભાવિત સુરતમાં ૨૧૦૩ નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરના ૧૬૯૦ છે. મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત કોરોના કેસનું ભારણ ઓછું નોંધાયું છે.