પોતાનું મકાન વેચવાની જાહેરાત વાંચી વહેપારી ચોંકી ઉઠયા
જમીનની લે-વેચ કરતા વહેપારીએ પોતાની ઓફિસમાં નોકરીએ રાખેલી મિત્રની પુત્રીએ
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થલતેજ ચાર રસ્તા પાસે જમીનની લે-વેચ કરતા વહેપારીની ઓફિસમાં કામ કરતી તેના જ મિત્રની પુત્રીએ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ખોટા દસ્તાવેજા બનાવી આ વહેપારીના રહેણાંકના મકાન સહિતની મિલકતો વેચવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. ગઈકાલે સાંજે કેટલાક શખ્સો આ વહેપારીના મકાન પર કબજા જમાવવા આવતા પોલીસની મદદ લેવામાં આવી હતી અને પોલીસ આવે તે પહેલા તમામ શખ્સો ભાગી છુટયા હતાં. પોલીસ જે મકાનમાં રહે છે તે મકાન બારોબાર વેચવા માટેની જાહેરાત આપવામાં આવી હોવાની જાણ થતાં જ ચોંકી ઉઠેલા વહેપારીએ તપાસ કરતા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
મકાનનો કબજા લેવા આવેલા શખ્સોએ હંગામો કરતા પોલીસ દોડી |
આ અંગેની વિગત એવી છે કે શહેરના રાજપથ કલબ બોપલ રોડ પર આવેલા શાશ્વત બંગલોમાં રહેતા મુકેશભાઈ ઈશ્વરલાલ દેવડા છેલ્લા ઘણા સમયથી જમીનોની લે-વેચ કરે છે અને આ માટે તેમણે એમ.ડી. ડેવલપર્સ નામની કંપનીની સ્થાપના કરી હતી. વહેપારીએ થલતેજ ચાર રસ્તા પાસે આવેલા ટાઈટેનીયમ સ્કવેર સેન્ટરમાં પોતાની ઓફિસ શરૂ કરી હતી અને ઓફિસમાં સ્ટાફ પણ રાખ્યો હતો. મુકેશભાઈ દેવડા ડીસામાં રહેતા મહેશભાઈ સોનીના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા ૩પ વર્ષથી બંને જણાં એકબીજાને ઓળખતા હતાં.
ડીસામાં રહેતા મહેશભાઈ સોનીની પુત્રી મનીષા સોની અને પુત્ર પ્રતિક સોની અમદાવાદમાં પીજીમાં રહીને નોકરી કરતા હતા મનીષા એમબીએ થયેલી છે આ દરમિયાનમાં મહેશ સોનીએ મુકેશ દેવડાને જણાવ્યું હતું કે તેનો પુત્ર અને પુત્રી અમદાવાદમાં રહે છે અને હાલ નાની મોટી નોકીર કરે છે તો આ બંનેને સારી નોકરી મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. વર્ષોથી પરિચય હોવાથી મુકેશ દેવડાએ મહેશભાઈ સોનીને તેમના બંને સંતાનોને સારી જગ્યાએ નોકરી અપાવવાની ખાતરી આપી હતી. જાકે પુત્રી મનીષા સોનીને તેની પોતાની જ એમડી ડેવલપર્સની ઓફિસમાં નોકરીએ રાખી લીધી હતી.
મિત્રની પુત્રી હોવાથી મુકેશભાઈએ મનીષા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકયો હતો અને પ્રારંભિક સમયમાં મનીષાએ પણ કામ કરીને મુકેશભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. મુકેશભાઈએ તેમની ચેકબુકો તથા મિલ્કતોના દસ્તાવેજા મનીષાને આપ્યા હતાં. દરમિયાનમાં છેલ્લા કેટલાક સમયથી કંઈક અજુગતુ થઈ રહયુ હોવાની ગંધ આવી હતી મુકેશભાઈ રહે છે તે બંગલો વેચવા કઢાયો હોવાની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી અને આની જાણ મુકેશભાઈની થતાં તેઓ ચોંકી ઉઠયા હતાં જેના પગલે તેમણે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
મકાના દસ્તાવેજા સહિતના કાગળીયાઓ તપાસ કરવામાં આવતા આ સમગ્ર ષડયંત્ર તેમના મિત્રની પુત્રી મનીષા સોનીએ રચ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. મુકેશભાઈએ તપાસ શરૂ કરતા મનીષા સોનીએ ઓફીસે આવવાનું પણ બંધ કરી દીધું હતું. બીજીબાજુ મનીષા જે કેબીનમાં બેસતી હતી તે કેબીનની તપાસ કરતા કેબીનમાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજા પણ મળી આવ્યા હતાં. મકાન વેચવા માટે તથા અન્ય મિલ્કતો વેચવા માટે મનીષા સોનીએ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હોવાનું બહાર આવ્યું હતું.
જેના પગલે મુકેશભાઈએ મનીષાને ફોન કરી અન્ય દસ્તાવેજા ઓફિસમાં જમા કરાવી દેવા જણાવ્યું હતું પરંતુ મનીષા સોની ગલ્લા તલ્લા કરવા લાગી હતી અને ઓરીજીનલ દસ્તાવેજા જમા કરાવ્યા ન હતાં જેના પરિણામે મુકેશભાઈ ખૂબ જ ચિંતિત બની ગયા હતાં આ અંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જરૂરી તમામ પુરાવા રજુ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગઈકાલે મુકેશભાઈ પરિવારને સાથે લઈ બહાર જવા નીકળ્યા હતા ત્યારે અચાનક જ તેમના સીકયુરીટીવાળાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક શખ્સો બળજબરીપૂર્વક તેમના મકાનનો કબજા લેવા આવ્યા છે.
જેના પગલે મુકેશભાઈએ તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસની મદદ માંગી હતી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક શાશ્વત બંગલો પર પહોંચ્યા હતા જાકે પોલીસ આવે તે પહેલા જ મકાન પર કબજા કરવા આવેલા શખ્સો ભાગી છુટયા હતા. મુકેશભાઈએ આ સમગ્ર ષડયંત્રમાં (૧) મનીષા સોની (ર) પ્રતિક સોની (૩) સુરેશ કાળાજી (૪) ભરત ચંપકલાલ સોની (પ) સુનીલ કાંતિલાલ ઠાકોર નામની વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.