પોરબંદરમાં રખડતા ઢોરોનો ત્રાસ ગાયે વિદ્યાર્થીઓને ઢીંકે ચડાવ્યા
પોરબંદર, પોરબંદરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ જૂના કોર્ટ કંપાઉન્ડમાં ગાય લોકોને મારવા દોડતી હોવાથી નગરપાલીકા તંત્ર ગાયને પકડવા ગયું હતું. જોકે તંત્ર પાસે ઢોરને પકડવા પૂરતા સાધનો ન હોવાથી કર્મીઓના હાથમાંથી ગાય છૂટી જતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓને ઢીકે ચડાવ્યા હતા જેમાં એક બાળકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના જુના કોર્ટ કમ્પાઉન્ડમાં હડકાઈ ગાય દોડતી દોડતી આંટાફેરા કરતી હોવાથી લોકો ભયમાં મુકાઈ ગયા હતા. નગરપાલિકાના તંત્રને જાણ કરતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી પરંતુ તંત્ર પાસે પશુ પકડવા માટે પુરતા પ્રમાણમાં યોગ્ય સાધનો નહી હોવાથી માત્ર દોરડા વડે તેને પકડવાની કોશિશ કરી હતી.
ત્યારે ગાય યુવાનોના હાથમાંથી છટકીને રોડ ઉપર પહોંચી જતા રાહદારીઓને તથા શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકોને પણ ઠોકર મારી હતી. જેમાં એક બાળકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બાદમાં મહા મહેનતે દોરડા વડે તેને પકડી હતી.
નગરપાલિકાના તંત્ર પાસે પશુઓ પકડવા માટે યોગ્ય પદ્ધતિ અને પૂરતા પ્રમાણમાં સાધનો નહીં હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે ફરીથી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય માટે નગરપાલિકાના તંત્રએ પૂરતા પ્રમાણમાં સાધનો વસાવવા જોઈએ તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.