પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ પર પ્રથમવાર તટવર્તીય સુરક્ષા વર્કશોપ યોજાયો
અમદાવાદ, પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર 09 માર્ચ 2021ના રોજ તટવર્તીય સુરક્ષા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વપ્રથમ વખત યોજાયેલા આ વર્કશોપનો ઉદ્દેશ, માછીમાર સમુદાયમાં દરિયાકાંઠાની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ વર્કશોપમાં 50થી વધારે માછીમારો અને રાજ્ય મત્સ્યપાલન વિભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠે તટવર્તીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકોએ સક્રિયતાપૂર્વક ભાગ લીધો હતો.
ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસરે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રના આર્થિક વિકાસની દિશામાં તટવર્તીય સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અન્ય વક્તાઓએ દરિયામાં જીવન રક્ષક ઉપકરણો, દરિયામાં કટોકટીની સ્થિતિનું સંચાલન (તબીબી કટોકટી સહિત) અને
ભારતીય નૌસેના તેમજ તટરક્ષક દળ પાસે તટવર્તીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ ઉપકરણો સહિત વિવિધ અસ્કયામતો જેવા સંબંધિત મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, પોરબંદરના નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તટવર્તીય સુરક્ષામાં વધારો કરવામાં માછીમાર સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી.
માછીમાર સમુદાયને નેવલ ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ બોટ્સથી પણ પરિચિત કરવામાં આવ્યા હતા જેના વિશે તેમણે સારી રીતે માહિતી પ્રાપ્ત કરી હતી. આ વર્કશોપમાં દરિયાકાંઠાના સંરક્ષણ માટે માછીમારોમાં “આંખ અને કાન” તરીકે કામ કરવાની ભાવના જગાવવા માટે અને તટવર્તીય સુરક્ષામાં વધારો કરવા માટે તેમની મહત્વપૂર્ણ ભૂમિકાથી તેમને અવગત કરાવવા માટેનું ઇચ્છિત લક્ષ્ય સિદ્ધ થયું હતું.