પોર્ન કન્ટેન્ટથી દરરોજની ૪.૫૩ લાખની ધૂમ કમાણી

નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાના મામલામાં પોલીસે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. લેટેસ્ટ જાણકારી પ્રમાણે રાજ કુન્દ્રા એક વોટસએપ ગ્રૂપમાં પણ સામેલ હતા. જેમાં પોર્ન ફિલ્મોના બિઝનેસ પર ચર્ચા થતી હતી. આ વોટસએપ ગ્રૂપનુ નામ એચ એકાઉન્ટ હતુ. જેમાં પાંચ લોકો સામેલ હતા અને આ તમામ લોકો પોર્નોગ્રાફિક ફિલ્મોના નિર્માણ સાથે સંકળાયેલા હતા. જે વોટસએપ ચેટ સામે આવી છે તેમાં રાજ કુન્દ્રાએ ફિલ્મોના માર્કેટિંગ, મોડેલ્સના પેમેન્ટને લઈને વાત કરી હતી.
જાણકારી પ્રમાણે આ મામલામાં ૬ લોકોની ધરપકડ થઈ ચુકી છે. રાજ કુન્દ્રા સામે પોલીસને ઘણા પૂરાવા પણ મળ્યા છે. સોમવારની રાતે નવ વાગ્યે તેમની ધરપકડ કરાઈ હતી. તેમના પર અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ ફિલ્મો બનાવીને રિલિઝ કરવાનો આરોપ છે.
વોટ્સએપ ગ્રૂપની આ ચેટસ પરથી ખબર પડે છે કે, એપ પર લાઈવ શો થકી રોજ ૧.૮૫ લાખ રૂપિયા અને ફિલ્મ થકી રોજ ૪.૫૩ લાખની કમાણી થઈ રહી હતી. આ અશ્લીલ કન્ટેન્ટ જે એપ પર મુકાતુ હતુ તે હોટશોટ્સ એપના ૨૦ લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા.
ચેટમાં રાજ કુન્દ્રએ પ્રદીપ બખ્શી નામના વ્યક્તિને આર્ટિસ્ટોનુ બાકી પેમેન્ટ વહેલી તકે કરવા માટે કહ્યુ હતુ. તે સમયે ૮૧ આર્ટિસ્ટોનુ પેમેન્ટ બાકી હતુ.