પોલિયોની જેમ ભારત કોરોના મુક્ત થશે : અમિતાભ બચ્ચન
મુંબઈ: શુક્રવારથી ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ છે. ત્યારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને આશા છે કે, દેશ કોરોના મુક્ત થઈ જશે. આ મહિનાની શરૂઆતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડની કોવિડ-૧૯ વેક્સીન કોવિશીલ્ડ, જેનું ઉત્પાદન ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે તેને અને ભારત બાયોટિક દ્વારા ઉત્પાદિત સ્વદેશી કોરોના વેક્સીન કોવિક્સનના ઈમર્જન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી. પરિણામે દેશમાં રસીકરણનો માર્ગ મોકળો થયો હતો.
૭૮ વર્ષીય અમિતાભ બચ્ચને રવિવારે આશા વ્યક્ત કરી છે કે, પોલિયોની જેમ દેશમાંથી કોરોના વાયરસ પણ નાબૂદ થઈ જશે. રસીકરણના કાર્યક્રમને વધાવી લેતાં અમિતાભ બચ્ચને ટિ્વટર પર લખ્યું, “જ્યારે આપણે ભારતને પોલિયો મુક્ત કર્યું હતું ત્યારે ગર્વની ક્ષણ હતી અને જ્યારે આપણે ભારતને કોરોના મુક્ત કરીશું ત્યારે પણ આવો જ ગર્વ થશે.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન ભારતમાં પોલિયો નાબૂદી અભિયાન માટેના યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર હતા. ભારત ૨૦૧૪માં પોલિયો મુક્ત થયું ત્યાં સુધી અમિતાભ બચ્ચન યુનિસેફના આ અભિયાનનો ભાગ રહ્યા હતા. કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવાના પગલાં વિશેની જાગૃતિ લોકોમાં ફેલાવા કેંદ્ર સરકારે અમિતાભ બચ્ચનની પસંદગી કરી હતી.
બિગ બીના અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યૂન દ્વારા આ માહિતી લોકો સુધી પહોંચતી હતી. અમિતાભ બચ્ચન જુલાઈ ૨૦૨૦માં પોતે કોરોના સંક્રમિત થયા હતા. માત્ર તેઓ જ નહીં દીકરો અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હતા. જાે કે, તેઓ થોડા દિવસમાં જ સાજા થઈ ગયા હતા.
દેશમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી જ અમિતાભ બચ્ચન જાગૃતિ લાવવાના કામમાં જાેડાયેલા છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન ટીબી મુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાન જેવા કેમ્પેઈન સાથે પણ જાેડાયેલા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચને હાલમાં જ પોપ્યુલર ગેમ શો કૌન બનેગા કરોડપતિની ૧૨મી સીઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્ર, ઝૂંડ, ચેહરેમાં જાેવા મળશે. આ સિવાય મેડે ફિલ્મમાં અજય દેવગણ અને રકુલપ્રીત સિંહ સાથે અમિતાભ મહત્વના રોલમાં જાેવા મળશે.