પોલિયોમુક્ત ગુજરાતનો ધ્યેય પાર પડાશે :રૂપાણી
અમદાવાદ: એલઆરડી મામલે રાજકીય વિરોધીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિરોધીઓ રાજકીય અસ્થિરતા ઉભી કરવાનો પ્રયાસ કરે છે અને કોઈને તકલીફ ન થાય તે રીતે સરકાર કામ કરશે. રૂપાણીએ આજે ગુજરાત રાજ્યમાં પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ આજે સવારે એક કાર્યક્રમમાં ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરાવી છે. સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦ લાખથી વધુ ભૂલકાઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’નો ધ્યેય પાર પડાશે.
મુખ્યમંત્રીએ પોલિયોનો પ્રારંભ કરાયા બાદ પત્રકારો સાથેની વાતમાં એલઆરડી મામલે કહ્યું કે, ‘કોઈને તકલીફ ન થાય તે માટે સરકાર કામ કરશે. કોઈ સમાજને અન્યાય ન થાય તેની ચિંતા કરીએ છીએ. વિરોધીઓ રાજકીય અસ્થિરતા ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ભૂલકાંઓને પોલિયો ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦ લાખથી વધુ ભૂલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’ નો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં ૩૩૬૪૧ બૂથ મારફતે ૧ લાખ ૫૨ હજાર આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે.
એલઆરડી મુદ્દે નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગઈકાલે નારાજગી સામે આવી હતી. નીતિન પટેલે આ નેતાઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, નેતાઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર ન લખવા જોઈએ. આવું કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તેમજ કોંગ્રેસના નેતાઓ હકીકત જાણવા છતાં ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ હોય કે ભાજપ, પણ નેતાઓએ સમજદારીપૂર્વકના નિવેદનો કરવા જોઈએ. કેટલાક મનથી હોય કે નેતાઓ હોય તેવો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર કે રજૂઆત કરી લીધી છે એ પ્રકારની વાતો કરતા હોય છે.
પણ આ પ્રકારના વ્યવહારથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થતું હોય છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ ભાજપના અન્ય નેતાઓ આજે દિલ્હી જશે. દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં હાજરી આપશે. તેમજ દિલ્હી ખાતે યોજાનાર ભાજપાની વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય તથા વ્યવસ્થા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.