પોલીસકર્મીને SoU જોવાની ૪ ટિકિટ ૩.૦૫ લાખમાં પડી
ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની પૌત્રની ઈચ્છા સ્ટેટ રિઝર્વ પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ મોંઘી સાબિત થઈ હતી, જેઓ ૩.૦૫ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીના શિકાર બન્યા હતા. કેવડિયામાં એસઆરપી ગ્રુપ ૧૮ ખાતે તૈનાત ધીરાભાઈ ડામોરે છેતરપિંડી કરનારા અજાણ્યા શખ્સો સામે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ડામોરનો પૌત્ર તીર્થરાજ કેવડિયા આવ્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડામોરે તેમનો મોબાઈલ ફોન તેને આપ્યો હતો અને ટિકિટ ઓનલાઈન બૂક કરાવવા માટે કહ્યું હતું.
તીર્થરાજે યૂટ્યૂબ ખોલ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પેમેન્ટ કેવી રીતે કરવું તે સર્ચ કર્યું હતું, જેમાં તેને કેટલીક જાહેરાત દેખાઈ હતી. તેમાંથી એક પર તેણે ક્લિક કર્યું હતું અને જાહેરાતમાં દેખાડેલા ફોન નંબર પર કોલ કરવાનો ઉલ્લેખ હતો. ફોન નંબર પશ્ચિમ બંગાળના હતા અને ફોન પર બીજી તરફ વાત કરી રહેલો વ્યક્તિ હિંદ બોલી રહ્યો હતો. ‘શખ્સે તીર્થરાજને એની ડેસ્ક એપ ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું અને બાદમાં એપ કોડ માગ્યો હતો.
બાદમાં તેણે પીડિતને ફોન પે પર નવું અકાઉન્ટ બનાવવા માટે કહ્યું હતું. તેણે પ્રવાસીઓના નામ, એસબીઆઈ કાર્ડ નંબર, કાર્ડની વેલિડિટીની તારીખ અને સીવીવી માગ્યું હતું’, તેમ પોલીસે જણાવ્યું હતું. તેણે ઓટીપી પણ માગ્યો હતો અને ગણતરીની મિનિટમાં ડામોરના ખાતામાંથી ૧.૫૮ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જ્યારે ડામોરને મેસેજ આવ્યો ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. બાદમાં તેમણે જાહેરાતમાં આપેલા નંબર પર કોલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સ્વિચ્ડ ઓફ આવતો હતો.
તીર્થરાજે ફરીથી યુટ્યૂબ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પેમેન્ટ સર્ચ કર્યું હતું અને નવા ફોન નંબર મળ્યા હતા. તેમાંથી એક નંબર પર જ્યારે તીર્થરાજે કોલ કર્યો ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, તેણે ભૂલથી ૧.૫૮ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને હવે તે ડામોરના ખાતામાં ફરીથી જમા કરવા માગે છે. ડામોરે ફરીથી ડેબિટ કાર્ડ અને અન્ય બેંક અકાઉન્ટની માહિતી આપી હતી.
આ વખતે તેમણે ૧.૪૭ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. અમે મોબાઈલ નંબર તેમજ જે બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેની મદદથી ધૂતારાઓને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે’, તેમ કેવડિયાના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ વાણી દુધાતે જણાવ્યું હતું.SSS