પોલીસના ગ્રેડ પે ના આંદોલનને આમોદમાં રાજકીય પાર્ટીઓનો ટેકો

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓને ન્યાય આપવા માંગ કરી
(પ્રતિનિધિ) ભરૂચ, ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચલાવી રહેલા પોલીસ કર્મચારીઓના સમર્થનમાં હવે રાજકીય પાર્ટીઓએ પણ ઝંપલાવી દીધું છે અને પોલીસ કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાય દૂર કરવા આમોદમાં રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા આમોદ પોલીસ સબ ઈન્સપેક્ટર તથા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ગુજરાત પોલીસ માટે ન્યાયની માંગણી કરી હતી.
આમોદ ખાતે મંગળવારના રોજ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ તેમજ પોલીસ સમર્થક જાગૃત યુવાનો દ્વારા આવેદનપત્ર આપી ગુજરાત પોલીસના સમર્થનમાં બહાર આવ્યા હતા.તેમજ આમોદ પોલીસ મથકે ગુજરાત પોલીસ ઝીંદબાદ ના નારા લગાવ્યા હતા.
ગુજરાત પોલીસ દિવસ રાત ખડે પગે રહી જનતાને સુરક્ષા આપી રહી છે તહેવાર હોય કે સામાજીક પ્રસંગ હોય પોલીસ હંમેશા ડ્યુટી કરી જનતાની સેવા કરી રહી છે.ત્યારે પોલીસને થઈ રહેલા અન્યાયને ન્યાય અપાવવા રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે.
હથિયારી-બિન હથિયારી પોલીસ, એસઆરપી,જેલ પોલીસ જવાનોના હાલના પગાર ભથ્થાના માળખામાં સુધારો કરી નવા ગ્રે પેડ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.કોન્સ્ટેબલ થી લઈ પીએસઆઈ સુધીના વર્ગ-૩ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરી બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી ના કરવી પડે તે માટે પારદર્શકતા તેમજ ઝડપ આવે તે માટે રાજ્ય કક્ષાએ ‘પોલીસ બદલી કમિટી’ની રચના કરવામાં આવે.
બિન જરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ આવતો હોય ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી. એસ.આર.પી બટાલીયનને મહાનગરો અને જિલ્લામાં જરૂરિયાત પ્રમાણે સ્થાયી કરવા.વતન સિવાયના જિલ્લામાં પોસ્ટીંગ થયેલી મહિલા પોલીસને અગ્રીમતાના ધોરણે રહેણાંકનું મકાન ફાળવવામાં આવે.
સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજીક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશ્યથી ‘પોલીસ યુનિયન’ની માન્યતા અપાવી જેવી માંગણીઓ કરવામાં આવી હતી.