પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે તસ્કરોને મોકળુ મેદાન
વાડજ, રાણીપ, સરદારનગર સહિતના વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય બનેલી છે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે તેમ છતાં શહેરના વાડજ, રાણીપ, માધુપુરા અને સરદારનગર વિસ્તારમાં તસ્કરો ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નવાવાડજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ પંચાલ પરિવારજનો સાથે બહાર ગયા હતા ત્યારે દિવસ દરમિયાન તેમના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.૩૯ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
આ અંગે મુકેશભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીનો બીજા બનાવ રાણીપમાં બન્યો હતો રાણીપ નેશનલ સ્કુલ પાસે આવેલી હરિસિધ્ધ સોસાયટીમાં રહેતા મયુરભાઈ સોની પરિવારજનો સાથે ઘરને તાળુ મારી બહાર ગયા હતાં આ દરમિયાન તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂ.પ૭ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી આ અંગે રાણીપ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીની ત્રીજી ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં બની હતી જેમાં થલતેજમાં રહેતા વહેપારી ઈન્દરભાઈનો બારડોલપુરા ખાતે બંસીધર એસ્ટેટ ગોડાઉનમાં ત્રણ લોડીંગ રીક્ષામાં કાજુ સહિતનો મુદ્દામાલ પડેલો હતો તસ્કરો કુલ રૂ.૧.૪ર લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે માધવપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે ચોરીનો અન્ય એક બનાવ સરદારનગર વિસ્તારમાં બન્યો હતો કુબેરનગર છારાનગરમાં આવેલ નવખોલીમાં રહેતા અમીતાબહેન માછરેકરના ઘરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને સોનાનો હાર, સોનાની બુટ્ટી સહિત કુલ રૂ.૧.૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે અનીતાબેને ફરિયાદ નોંધાવતા સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.