પોલીસના હુમલાના વિરોધમાં વકીલો દ્વારા સુત્રોચ્ચાર-વિરોધ
અમદાવાદ : નવી દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા નજીવી બાતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબારના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ દિલ્હી પોલીસની કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરી તેને વખોડી કાઢી છે બીજીબાજુ, આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના વકીલોને ઉપરોકત ઘટનાના વિરોધમાં કોર્ટ સમય દરમ્યાન તમામ વકીલોએ પોતાના કોટ પર લાલ પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. વકીલોએ અમદાવાદ સહિત રાજયભરની જુદી જુદી કોર્ટોમાં વકીલોએ ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો પણ કર્યા હતા.
આજે ઘી કાંટા ફોજદારી કોર્ટ, મીરઝાપુર સ્થિત ગ્રામ્ય કોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે વકીલોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ પ્લેકાર્ડ અને બેનરો સાથે ઉગ્ર દેખાવો યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસદમનનો જારદાર વિરોધ કર્યો હતો. અમદાવાદની જેમ વડોદરા, રાજકોટ, સુરત, આણંદ સહિતના જિલ્લા-તાલુકા મથકોએ પણ વકીલોએ વિરોધ પ્રદર્શન યોજયા હતા.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, શનિવારે નવી દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા નજીવી બાતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક વકીલો ઘાયલ થયા હતા., એક વકીલમિત્રને ગોળી પણ વાગી હતી.
આ સમગ્ર બનાવ અંગે દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી દિલ્હી પોલીસ કમિશનરને ઇજા પામનાર વકીલોના સ્ટેટમેન્ટ લઇ તેના આધારે જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે એફઆઇઆર દાખલ કરવા અને સરકારને ઇજા પામેલા વકીલોને સારી સારવાર અને વળતર આપવા નિર્દેશ કર્યા હતા. ઉપરાંત સમગ્ર મામલામાં જયુડીશીયલ ઇન્કવાયરી માટે એસ.પી.ગર્ગની નિમણૂંક કરાઇ હતી. સાથે સાથે આ કેસમાં છ સપ્તાહમાં ઇન્કવાયરી પૂર્ણ કરી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને બે પોલીસ અધિકારીની બદલી કરવાનો દિલ્હી પોલીસ કમિશનરને હુકમ કર્યો હતો.
તો, કોઇપણ વકીલની સામે સખત પગલા નહી ભરવા પણ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. આ નિંદનીય ઘટનાના વિરોધમાં આજે અમદાવાદ સહિત રાજયભરના વકીલો પોતાના કોટ પર લાલ પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા-તાલુકા મથકોએ કેટલીક કોર્ટો ખાતે તો વકીલોએ ભારે સૂત્રોચ્ચાર અને દેખાવોના કાર્યક્રમો પણ યોજયા હતા. દિલ્હી બાદ કાનપુરમાં પણ પોલીસના વકીલો સાથેના ઘર્ષણને લઇને પણ બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ભારે વિરોધ નોંધાવી આવી ઘટનાને નિંદનીય અને વખોડવાપાત્ર ગણાવી હતી.