રાજ્યમાં પોલીસની બુટલેગરો સામે લાલ આંખ
માધવપુરામાં મહીલા બુટલેગરનાં ઘરમાંથી ૬૦૦લીટર વોશ મળી આવ્યો શાહીબાગમાં એકટીવા પર ખેપ મારતાં બુટલેગરની મુદ્દામાલ સાથે અટક |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજય પોલીસ વડાનાં આદેશ બાદ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ચેકીગ દરમ્યાન કેટલાંય બુટલેગરો દેશી-વિદેશી દારૂ સાથે ઝડપાયા છે. ગઈકાલે આવી જ ડ્રાઈવ દરમ્યાન માધવપુરામાં મહીલા બુટલેગરના ઘરમાંથી દેશી દારૂ બનાવવાનો ૬૦૦ લીટર વોશ મળી આવ્યો હતો. જયારે શાહીબાગ પોલીસે બાતમીને આધારે એકટીવા ઉપર માલ લઈ જતાં બુટલેગર પાસેથી ૪૮નંગ વિદેશી દારૂના જપ્ત કર્યા છે. ગઈકાલે ડ્રાઈવ દરમ્યાન માધુપુરા પોલીસની ટીમે નસીમ મીયાણા નામની મહીલા બુટલેગરનાં ઘરે અચાનક જ દરોડો પાડયો હતો. તપાસમાં ધાબા પરથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનું વોશ મળી આવ્યું હતું.
આ વોશનો પોલીસે તાત્કાલીક નાશ કર્યો હતો. અને નઝીમ મિયાણાં (રહે. રૂસ્તમ મીલ કંપાઉન્ડ, નજીક ડઘેશ્વર રોડ) ને ઝડપીને તેની વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી. જયારે શાહીબાગ પોલીસને બાતમી મળતાં જ જુની પટેલ સોસાયટી નજીક ગોઠવાઈ ગયા હતા અને અઢી વાગ્યાના સુમારે બાતમી મુજબની એકટીવા દેખાતાં તેની અટકાવી ચાલક વિકાસ ઉર્ફે વિકો દીપકભાઈ ઝાલા (જુની પટેલ સોસાયટી, અસારવા) ની તપાસ કર્યા બાદ એકટીવા પર પડેલાં થેલા તપાસતાં તેમાંથી ર૪ બિયરનાં ટીન તથા ર૪ દારૂની બોટલો મળી આવી હતી. તમામ મુદ્દામાલ કબજે લઈ પોલીસે તેની અટક કરી હતી.