પોલીસની સામે જ અપહરણકારો ૩૦ લાખની ખંડણી વસૂલી ગયા, અને યુવકની હત્યા પણ કરી નાખી
લખનૌ, કાનપુર પોલીસ ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો ૧૩ જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તાઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ ૩૦ લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. વાત જાણે એમ છે કે ગત ૨૨ જૂનના રોજ કાનપુરમાં એક યુવક ગુમ થઈ ગયો હતો. જેના લગભગ બે અઠવાડિયા બાદ પરિજનો પાસે સતત યુવકને છોડાવવા માટે ખંડણી વસૂલવા માટેનો ફોન આવતો હતો. જ્યારે સમગ્ર વારદાતની જાણકારી પોલીસને કરવામાં આવી તો તેમણે પરિજનોને ખંડણીની રકમ ભેગી કરીને આરોપીઓને આપવા માટે કહ્યું. પોલીસે પરિજનોને વિશ્વાસ અપાવ્યો કે ખંડણીની રકમ આપી દેવા દરમિયાન તેઓ અપરાધીઓને દબોચી લેશે. એકવાર યુવક હેમખેમ પાછો મળી જાય ત્યારબાદ પૈસા વસૂલ કરી લેવાશે.
ત્યારબાદ પરિજનોએ પોલીસની વાતો પર વિશ્વાસ કર્યો અને ૧૩ જુલાઈના રોજ અપહરણકર્તાઓએ જે જગ્યાએ પહોંચવાનું કહ્યું ત્યાં તેઓ ખંડણીની રકમ લઈને પહોંચી ગયા હતાં. પરંતુ બદમાશો એટલા ખૂંખાર અને ચાલાક નિકળ્યાં કે તેમણે પોલીસને પણ ચકમો આપી દીધો અને પૈસા ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયા અને અપહ્રત યુવકનો કોઈ અતોપત્તો પણ ન મળ્યો. આરોપ છે કે લાપત્તા યુવકના પિતા સાથે આરોપી લગભગ અડધો કલાક સુધી વાત કરતા રહ્યાં અને છતાં પોલીસ તેને પકડી શકી નહીં.
પોલીસના સમગ્ર પ્લાનિંગ પર પાણી ફેરવતા બદમાશો સામે આવ્યાં બાદ પણ ફરાર થઈ જવામાં સફળ રહ્યાં અને પોલીસ તાંકતી રહી ગઈ. આ સમગ્ર ઘટનાક્રમે પોલીસની કાર્યવાહી પર ફરીથી સવાલ ઊભા કર્યા છે. કાનપુરના બર્રા વિસ્તારમાં રહેતો યુવક સંજીત યાદવ (૨૭) એક ખાનગી પેથોલોજી લેબમાં કામ કરતો હતો. ૨૨ જૂનના રોજ તે ઘરે પાછો ફર્યો નહીં તો પરિજનોએ તેને ખુબ શોધ્યો પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યારબાદ પરિજનોએ પોલીસને જાણ કરી. પરંતુ પોલીસે ૨૩ જૂનના રોજ ગુમ થવા અંગેનો કેસ નોંધીને મામલો અટોપી લીધો. લગભગ બે અઠવાડિયા બાદ અપહરણકર્તાઓના ખંડણી માટે ફોન આવવા લાગ્યાં. પોલીસ તેમને ટ્રેક કરવામાં લાગી.
હવે ઘટનાના એક મહિના બાદ પોલીસે પરિજનોને સૂચના આપી કે સંજીતનું મોત થઈ ચૂક્યું છે. આ સમાચાર સાંભળતા જ પરિજનોના રડી રડીને હાલ ખરાબ છે. પરિજનોએ આરોપ લગાવ્યો કે પોલીસની બેદરકારીના કારણે જ તેમના છોકરાનો જીવ ગયો. પોલીસે આ મામલે હાલ ચાર યુવકોની અટકાયત કરી છે. જેમણએ કબુલ્યુ છે કે તેમણે ૨૬ કે ૨૭ તારીખે જ સંજીતની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને પાંડુ નદીમાં ફેકી દીધો હતો.