પોલીસને અનિવાર્ય ન હોય તો દિવાળી તહેવારોમાં રજા મળશે નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/police-1024x683.jpg)
શહેરના તમામ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ, નાઈટ પેટ્રોલિંગ ઉપર ભાર મુકાશે-તમામ પોલીસ ઈન્સ્પેકટરોને મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા અને સતત પેટ્રોલીગ કરાવતા રહેવાની સુચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ, અગીયારસથી દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા, લોકોએ ઘરના ટોડલે દિવા કરવાનું અને બાળકોએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી છે શાળાઓમાં વેકેશન શરૂ થઈ જતા જે લોકો દિવાળી કરવા માટે વતન જવાના હોય તેમણે વતનની વાટ પકડી લીધી છે. તમામ લોકો તહેવારોમાં મસ્ત છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતભરની પોલીસ પોતાની ફરજ પર વ્યસ્ત છે.
દિવાળીના તહેવારોમાં રાજયભરના પોલીસ કર્મચારીઓને અનિવાર્ય સંજાેગો ના હોય તો રજા આપવામાં આવશે નહીં અને જેમને રજા આપવામાં આવી છે તેમની રજા પણ રદ કરી તેમને તાકીદે ફરજ પર હાજર થઈ જવાના આદેશ થઈ ગયા છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા દિવાળી માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાલુપુર રેલવે સ્ટેશન નજીક જેસીપી અજય ચૌધરી પોતે જાતે વાહનો ચેકીંગ દરમ્યાન હાજર રહ્યા હતા.
જેમાં શહેરના તમામ પ્રવેશદ્વાર અને મહત્વના સંખ્યાબંધ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્કેટમાં રાત્રે પેટ્રોલીગ વધારવા માટે પણ પોલીસને તાકીદે કરવામાં આવી છે.
શહેરમાંથી લોકો બહાર ફરવા ચાલ્યા જવાથી અથવા તો દિવાળી કરવા વતનમાં ગયા હોવાથી ઘણા મકાન બંધ છે અને આવા વિસ્તારોમાં ચોરીની સંભાવના નકારી શકાય નહી. માટે પોલીસે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે મીટીગ કરીને થોડા જાગૃત રહેવા માટે તાકીદ કરી દીધી છે.
તમામ પોલીસ ઈન્સ્પેકટરોને મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા અને સતત પેટ્રોલીગ કરાવતા રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સીનીયર અધિકારીઓને સતત માર્ગદર્શન આપવા રાજયમાં પોલીસના વડા અને શહેર પોલીસ કમીશ્નરે સુચન કર્યું છે.