Western Times News

Gujarati News

પોલીસને ધક્કો મારી બે રીઢા આરોપી ફરાર

ઘરઘાટીના સ્વાંગમાં ચોરી કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી ચાર આરોપીઓના મેડીકલ ટેસ્ટ કરવા માટે ચાંદખેડા પોલીસ નવી સિવિલ આવી હતી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmdabad, Gujarat) કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે પોલીસ કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે એક બાજુ દારૂબંધી અંગે ભારે વિવાદ સર્જાયો છે જયારે બીજીબાજુ પોલીસ પર આક્ષેપો થવા લાગ્યા છે. આ પરિસ્તિતિમાં માં શહેરના અસારવા વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં  (New Civil Hospital, Asarwa, Ahmedabad) એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

જેમાં શહેરના શાહીબાગ અને ચાંદખેડા (Shahibag and chandkheda) વિસ્તારમાં ઘરઘાટીના સ્વાંગમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીના ચાર સાગરિતોને તાજેતરમાં જ રાજસ્થાનથી ઝડપીને ચાંદખેડા લવાયા બાદ તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં અને રિમાન્ડ પુરા થયા બાદ ગઈકાલે રાત્રે ચાંદખેડા પોલીસ ચારેય આરોપીઓના મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલમાં   લઈ ગઈ હતી અને ત્યાં બે રીઢા ગુનેગારોએ પોલીસ કોન્સ્ટેબલોને ધક્કો મારી ફરાર થઈ જતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

પરંતુ વહેલી સવાર સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ ટીમોને તપાસ સોંપવામાં આવી છે અને એક ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી છે. પોલીસની બેદરકારીથી ચોકી ઉઠેલા અધિકારીઓએ આ સમગ્ર ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. શાહીબાગ પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કર અને લુંટારુઓ આંતક મચાવી રહયા છે જેના પગલે પોલીસ વિભાગ દ્વારા કેટલીક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે

ખાસ કરીને ઘરે કામ કરતા ઘરઘાટીઓની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. જાકે અનેક મકાન માલિકો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો અમલ કરતા નથી.

જેના પરિણામે ઘરઘાટીના સ્વાંગમાં આવતી તસ્કર ટોળકીઓ તેનો ભરપુર લાભ ઉઠાવે છે. શહેરમાં ચોરીની ઘટનાઓમાં તસ્કર ટોળકીઓને શોધવા પોલીસતંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં ઘરઘાટીઓ સંડોવાયેલા હોય છે. શહેરના ચાંદખેડા તથા શાહીબાગ વિસ્તારમાં ચોરીની બે ઘટનાઓ ઘટી હતી આ બંને ઘટનાઓમાં ઘરઘાટીના સ્વાંગમાં કામ કરતા તસ્કરો ઘરમાંથી ચોરી કરી પલાયન થઈ ગયા છે.

ચાંદખેડા પોલીસે આ ઘટનામાં સઘન તપાસ શરૂ કરી આરોપીઓ અંગે મહત્વપૂર્ણ વિગતો મેળવી હતી.
આરોપીઓ મુળ રાજસ્થાનના બાંસવાડાના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યુ હતું જેના આધારે ચાંદખેડા પોલીસની એક ટીમ બાંસવાડા પહોંચી હતી અને ત્યાંથી આરોપી (૧) જીતુ રતુભાઈ કીર (ઉ.વ.રપ) (ર) લોકેશ સવાભાઈ કીર (ઉ.વ.ર૦) (૩) જીતુભાઈની પત્નિ  શાંતાબેન (૪) રાજુભાઈ શંકરભાઈ કીર ને ઝડપીને અમદાવાદ લાવ્યા હતાં.
ચારેય આરોપીઓને ઝડપી લીધા બાદ અમદાવાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. તા.૩જીના રોજ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરતા તા.૯મી સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતાં.

રિમાન્ડ પુરા થવાના હોવાથી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમૃતજી કાંતિજી તથા મહિલા લોકરક્ષકદળના જયાબેન તથા અન્ય સ્ટાફ મોબાઈલ વાનમાં ચારેય આરોપીઓને લઈ મેડિકલ ટેસ્ટ માટે અસારવા વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ  ખાતે રાત્રે ૧૧.૩૦ વાગ્યે લાવવામાં આવ્યા હતાં.

ચારેય આરોપીઓને લઈ ચાંદખેડાનો સ્ટાફ તબીબ પાસે પહોંચ્યા ત્યારે વર્તમાન રોગચાળાની સ્થિતિમાં  હોસ્પિટલમાં હોસ્પિટલમાં  ભારે ધસારો હતો. જેના પરિણામે તબીબોએ થોડી રાહ જાવાનુ કહયું હતું જેના પરિણામે પોલીસ સ્ટાફ પુરૂષ આરોપીઓને હાથકડી પહેરાવી પરત રસ્તા પર પડેલી મોબાઈલ વાનમાં બેસાડવા માટે લઈ જઈ રહયા હતાં.

આ દરમિયાનમાં આરોપી જીતુ અને લોકેશે આ તકનો લાભ ઉઠાવ્યો હતો. હાથમાં હાથકડી હોવા છતાં આ બંને આરોપીઓએ કોન્સ્ટેબલોને ધક્કો મારતાં તેઓ પડી ગયા હતાં અને ગણતરીની સેકન્ડોમાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી છુટયા હતાં. અચાનક જ બનેલી આ ઘટનાથી પોલીસ સ્ટાફે બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતાં અને પોલીસે આરોપીઓનો પીછો પણ કર્યો હતો પરંતુ અંધારાનો લાભ ઉઠાવી બંને આરોપીઓ ભાગી છુટયા હતાં.
ઘટના બાદ તરત જ પોલીસે આ અંગેની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલને કરી હતી

જેના પગલે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બીજીબાજુ પોલીસ જાપ્તામાંથી આરોપીઓ ભાગી જવાની ઘટનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને રાત્રે તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતાં.

વહેલી સવાર સુધી આરોપીઓને ઝડપી લેવા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ બંને આરોપીઓનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો શાહીબાગ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને એક ટીમને રાજસ્થાન રવાના પણ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.