પોલીસને સહકાર આપું છું, ધરપકડ નથી થઈ: મુનમુન દત્તા
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિલય તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબિતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા અત્યારે ચર્ચામાં છે. જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના કેસમાં તાજેતરમાં જ તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટના આદેશ અનુસાર ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પછી અંતરિમ જામીન પર છોડી દેવામાં આવી હતી. પરંતુ મુનમુન દત્તાએ આ તમામ વાતો ફગાવી છે અને સમગ્ર બાબત પર પ્રતિક્રિયા આપી છે. મુનમુન દત્તાએ એક ઈન્ટર્વ્યુ દરમિયાન જણાવ્યું કે, તે નિયમિત પૂછપરછ માટે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
તેની ધરપકડ કરવામાં નહોતી આવી. તેને આગોતરા જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મુનમુન દત્તાએ પોતાની યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતે મુનમુન દત્તા વિરુદ્ધ હાંસી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મુનમુન દત્તાએ આગળ જણાવ્યું કે, એવી અફવા ઉડી રહી છે કે મારી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હું ચોખવટ કરવા માંગુ છું કે હું નિયમિત પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. મારી ધરપકડ કરવામાં નહોતી આવી. મને પહેલાથી જ કોર્ટમાંથી અંતરિમ જામીન મળી ગયા હતા.
હાંસી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓએ મારી સાથે અઢી કલાક સુધી વાતચીત કરી અને તમામ જરુરી વાતો નોંધી. તેમનો વ્યવહાર ઘણો વિનમ્ર હતો. હું પણ તેમને સહકાર આપી રહી છું અને આગળ પણ આપીશ. બબિતાજીએ જણાવ્યું કે, મારા વિષે જે ખોટી ખોટી વાર્તાઓ શેર કરવામાં આવી રહી છે તેના કારણે હું પરેશાન છું. તેણે મીડિયાકર્મીઓને પણ વિનંતી કરી છે કે, આ પ્રકારના સમાચારથી બચીને રહો, કારણકે આ અનૈતિક બાબત છે.
નોંધનીય છે કે મુનમુન દત્તાએ ગયા વર્ષે યૂટ્યુબ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે મેકઅપ વિષે જાણકારી આપી રહી હતી અને તે વખતે તેણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે વિવાદ સર્જાયો પછી માફી પણ માંગી હતી.SSS