પોલીસે ઈલેક્શન ‘સાચવી લીધું’- હવે માસ્કના મેમો ફાડવા મેદાનમાં ઉતરશે
અમદાવાદ, કોરોના વાઈરસની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત છે અને જાે કોઈએ માસ્ક પહેર્યુ ના હોય તો પોલીસ તેને એક હજાર રૂપિયાનો દંડ આપીને મેમો આપે છે. માસ્કનો મેમો આપવાની કામગીરી સસલાંની ગતિએ ચાલી રહી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી જતાં પોલીસ આ કામગીરી કાચબાની ગતિએ કરી દીધી હતી.
પોલીસે ઈલેક્શન સાચવી લીધું છે ત્યારે હવે કોરોના કેસમાં થોડોક વધારો થતાં પોલીસ ફરીથી મેમો ફાડવાના એક ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. કોરોનાએ વિદાય લઈ લીધી છે તેવી નબળી માનસિકતા ધરાવતા લોકો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારબાદ શહરેમાં કોરોના બ્લાસ્ટ થયો હતો.
જેને રિકવર કરતાં તંત્રની આંખમાં પાણી આવી ગયું હતું. અને જ્યારે શહેરમાં હટાવી દેવાયેલો કરફ્યુ ફરીથી લગાવી દેવામાં આવ્યો હતો. આજે પણ રાત્રીને ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરફ્યુ છે. કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થતાં ઈલેક્શનનો માહોલ શહેરમાં જામ્યો હતો. જેનું ગઈકાલે રિઝલ્ય આવ્યું છે. ઈલક્શન દરમિયાન ઠેર ઠેર પ્રચાર થતો હતો. સભાઓ ગાજતી હતી અને કાર્યાલયો પર ચૂંટણીના એજન્ડા નક્કી થતાં હતા.
ઈલેક્શનના લીધે કોરોનાના ટેસ્ટ પણ ઓછા થઈ ગયા હથા. જેના કારણે અમદાવાદમાં કેરોના વાઈરસના કેસ ઓછા જાેવા મળ્યા હતા. ગઈ કાલે ઈલેક્શન પુરૂં થઈ ગયું છે ત્યારે શહેરમાં કોરોન વાઈરસના કેસમાં વધારો જાેવા મળ્યો છે. લાંબા સમય બાદ શહેરમાં ૩ વિસ્તારના ર૭ મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટની યાદીમાં મુકાતા તંત્ર હરકતમાં આવ્યું છે.
ચૂંટણીના તંબુ ઉઠી જતાં શહેરમાં કેટલીક જગ્યાએ કોરોના ટેસ્ટના તંબુ મુકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસ પણ હરકતમાં આવી છે. દિવાળી પછી અને ચૂંટણી પહેલાં માસ્ક નહીં પહેરનાર લોકોને એક હજાર રૂપિયા દંડ કરવામાં આવતો હતો. જેના કારણે સવારથી લઈ સાંજ સુધી પોલીસ મેદાનમાં આવી જતી હતી.
અને વાહનચાલકો, રાહદારીઓ, ગાર્ડનમાં વોકિંગ કરવા જતા લોકો સહિતનજા લોકો કે જેને માસ્ક નથી પહેર્યા તેમને મેમો આપવામાં આવશો હતો. ચૂંટણી આવી જતાં પોલીસની આ કામગીરી પર રોક લાગી ગઈ હતી અને તેમને મેમો આપવાની પ્રક્રિયા ધીમી કરી દીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પતી ગઈ છે ત્યારે હવે પોલીસ ફરીથી માસ્ક નહીં પહેરનાર સામે મેમોનું શસ્ત્ર ઉગામશે. કંટ્રોલમાં આવેલો કોરોના ફરી વકરી રહ્યો છે.
જેને જાેતાં હવે પોલીસ માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરશે. દરેક પોલીસ સ્ટેશનમાં રોજ પચાસ માસ્ક નહીં પહેરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવાની તેવો એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ટાર્ગેટ લઈને ફરીથી હવે પોલીસ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ગઈકાલે ચૂંટણીના રિઝલ્ટ બાદ ઠેર ઠેર સરઘસ નીકળ્યાં હતા. જેમાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને જાેઈ રહી હતી. ત્યારે ચૂંટણીના પ્રચાર વખતે પણ પોલીસે માસ્કના મેમો આપવાની કોઈ કાર્યવાહી કરી નથી.