Western Times News

Gujarati News

પોલીસે ગેંગના ચારને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા

વાપી, રાજ્યના છેવાડે આવેલ અદ્યોગિક નગરી વાપીમાં એક મોબાઇલ કંપનીના સેલ્સમેન અને ઝોમેટો કંપનીના ડીલીવરી બોયની બનેલી ગેંગે વર્ષ ૨૦૨૦માં આચરેલી રૂપિયા ૧૬ લાખની લૂંટનો ભેદ આખરે હવે ઉકેલાયો છે.

આ સનસની અપહરણ અને લૂંટના ગુનામાં વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે શાતીર ગેંગના ચાર સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઓછા પગારથી નોકરી કરતાં મિત્રોએ શોર્ટકટમાં લાખો રૂપિયા કમાવા માટે તેમના જ એક પરિચિતને શિકાર બનાવી તેનું અપહરણ કરી રૂપિયા ૧૬ લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા.

વાપી જીઆઇડીસીના મોરારજી સર્કલ પાસે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ માં રોજ જાહેર રસ્તા પર રૂપિયા ૧૬ લાખની લૂંટ થી ચકચાર મચી હતી. ધોળે દિવસે વાહનોની અવરજવર વખતે વાપીની એક ઓનલાઇન શોપિંગ એજન્સીનો કલેક્શન બોય શનિ-રવિની રજા બાદ બે દિવસમાં એકઠી થયેલી રોકડ રકમનું કલેક્શન અંદાજે રૂપિયા ૧૬ લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો.

એ વખતે જ પાછળથી બાઈક પર આવેલા ૨ શખ્સોએ કલેક્શન બોયને રસ્તા વચ્ચે ઉભા રાખી ‘પોતાની બહેનની છેડતી કેમ કરે છે’ તેવો આક્ષેપ કરી તેની સાથે બબાલ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

બને લૂંટારુઓએ કલેક્શન બોય યતીન પટેલને પોતાની બાઈક પર બેસાડી દમણગંગા બ્રિજ સુધી અપહરણ કરી લઇ ગયા હતા. ત્યાં મોકો મળતા જ લૂંટારુઓ યતીનને રોડ પર ફેંકી ફરાર થઇ ગયા હતા. છેલ્લા ૨ વર્ષથી અનડીટેક્ટેડ રહેલા આ ગુનાને વલસાડ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ લૂંટના આરોપીઓ બે વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પરંતુ આખરે વલસાડ એસ.ઓ.જી અને એલસીબી પોલીસે આ લૂંટના મુખ્ય ભેજાબાજને મહારાષ્ટ્રમાંથી દબોચી લીધો હતો. તેમની આગવી ઢબે પુછપરછ કરતા વાપી અને દમણમાં રહેતા તેના અન્ય ૩ સાગરીતોની પણ ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યુ કે, લૂંટનો ગુનો આચર્યા બાદ અત્યાર સુધીના બે વર્ષમાં આરોપીઓએ પોતાનો વ્યવસાય પણ બદલી નાંખ્યો હતો. એક આરોપી છેલ્લા કેટલાક સમયથી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે પણ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
અઝીમ મેમણ, ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે અને દમણ વાઇન શોપમાં નોકરી કરે છે
નીલ જાેન્સા, કોમ્યુટર ટેકનોલોજીમાં ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલ છે. અગાઉ ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અને વાપીના ચાલીમાં રહેતો હતો. હાલ મહારાષ્ટ્રના મલાડ ખાતે આવેલ ક્લાસિક ઓટો સર્વિસના શોરૂમ સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.
ગૌતમ ઘેવરલાલ માલી, ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તે છેલ્લા દોઢ વર્ષથી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકેની નોકરી કરે છે

મગનલાલ માલી, ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ કોસ્મેટિક ચીજવસ્તુઓનો વેપાર કરે છે
ઓછા પગારથી નોકરી કરતાં મિત્રોએ શોર્ટકટમાં લાખો રૂપિયા કમાવા માટે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો. ઝડપાયેલા આરોપી પૈકી અઝીમ મેમણનો ગુનાહિત ઇતિહાસ પણ બહાર આવ્યો છે. તો ચોંકવાનરી બાબત એ પણ છે કે, ઉપરોક્ત આરોપીઓ પૈકી આ ગુનાનો માસ્ટર માઈન્ડ ગૌતમ ઘેવરલાલ માલી છે, જે હાલ જી.આર.ડી તરીકે નોકરી કરે છે. હાલ આ તમામ આરોપીઓને ઝડપી પાડી ૨ વર્ષ જુના ગુનાનો ભેદ વલસાડ એસઓજી અને એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. ત્યારે ગુનાને અંજામ આપી હાલે સામાન્ય જીવન પસાર કરતા આ યુવાનોને હવે જેલની કોઠરીમાં પસ્તાવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.