પોલીસે ગેંગરેપની ફરિયાદ ન લેતા દલિત મહિલાનો આપઘાત
ભોપાલ: નરસિંહપુરના ચીચલી ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ તેની ફરિયાદ ન લેવાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમના આદેશ બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મિશ્રીલાલ કે જેમણે એફઆઈઆર નોંધી ન હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપી અરવિંદ, મોતીલાલ અને અનિલ રાયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ તાત્કાલિક અસરથી એડિશનલ એસપી, એસડીઓપીને હટાવી દેવામાં આવ્યા છે. આ જ રીતે ખરગોનના એસપી પાસેથી આ અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. જોકે, એસપી હાલમાં રજા પર છે. નરસિંહપુરના ચીચલી ગામમાં ગેંગરેપ પીડિત મહિલાએ આપઘાત કરી લીધો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેઓ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા પરંતુ ફરિયાદ લેવામાં આવી ન હતી. આ કેસ મીડિયામાં આવતા વાત ભોપાલ સુધી પહોંચી હતી.
આ કેસને ધ્યાનમાં લેતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કડક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. સીએમની નારાજગી અને કડક પગલાં લેવાના આદેશ બાદ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેમની વિરુદ્ધ કલમ ૩૭૬ ડ્ઢ અને ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીએમએ કહ્યુ કે, રાજ્યમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે. સીએમ શિવરાજસિંહે રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિની સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક કરી હતી.
જેમાં મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને આદેશ આપ્યો કે રાજ્યમાં કોઈ પણ પ્રકારના માફિયા, લોકો સાથે છેતરપિંડી કરનારી ચિટફંડ કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. કોઈને પણ છોડવામાં નહીં આવે. બદમાશોના મનમાં ડર હોવો જોઈએ. ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ગુનેગારો વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીની જાણકારી પણ મેળવી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ અને શાંતિ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.