પોલીસે છોકરા પાસેથી સિલિન્ડર છીનવ્યું; બે કલાક બાદ માતાનું મૃત્યુ નિપજ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/oxygen-2.jpg)
પ્રતિકાત્મક
૧૭ વર્ષનો છોકરો માતાને બચાવવા આજીજી કરતો રહ્યો પણ પોલીસે ન માની,
આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં માતા માટે કંઈક રીતે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને લઈ જઈ રહેલા ૧૭ વર્ષના છોકરા પાસેથી પોલીસકર્મીઓ સિલિન્ડરી છીનવી લીધો. દીકરો પોલીસકર્મીઓ સામે જમીન પર પડીને હાથ જાેડતો રડતો-રડતો ઓક્સિજન સિલિન્ડર પાછો માંગતો હતો.
પરંતુ પોલીસકર્મીઓ તેની એક પણ વાત ન સાંભળી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં દીકરો માતાને બચાવા માટે કહે છે કે, મારી મા મરી જશે, સિલિન્ડર ના લઈ જશો. હું ઓક્સિજનની વ્યવસ્થા ક્યાંથી કરીશ?’ આ ઘટનાનો વિડીયો વાયરલ થયા પછી યુપી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ (એડીજી) રાજીવ કૃષ્ણાએ વાયરલ થયેલા વિડીયોની તપાસના આદેશ આપ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ આગ્રાની એક હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર લેવા આવ્યા હતા. અહીં તેમણે એક છોકરાને ઓક્સિજન સિલિન્ડર લઇને જતો જાેયો અને તેની પાસેથી છીનવી લીધો. વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે પીપીઈ કીટ પહેરેલો એક છોકરો પોલીસ સામે ઘુંટણીએ બેસીને રડવા લાગે છે. તે પોલીસને કહી રહ્યો છે કે, ઓક્સિજન સિલિન્ડર પાછો આપો, નહીંતર તેની માતા મરી જશે.
પોલીસે જણાવ્યું કે આ વિડીયો આગ્રાની ઉપાધ્યાય હોસ્પિટલનો છે. વિડીયોમાં જાેવા મળતો છોકરો અંશ ગોયલ છે. તેણે કહ્યું કે તેણે ખૂબ જ મુશ્કેલીથી તેની માતા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરીને સિલિન્ડર લાવ્યો હતો, પરંતુ કોઈ વીઆઈપી માટે પોલીસે તેની પાસેથી સિલિન્ડર છીનવી લીધો અને બે કલાક પછી તેની માતાનું અવસાન થઈ ગયું.
એડીજી રાજીવ કૃષ્ણાએ કહ્યું કે, આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મળતાં જ દોષી પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસના આદેશ પૂર્વે, સ્થાનિક પોલીસે કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડર ખાલી હતો.
એસપી સિટી આગ્રા, બોત્રે રોહન પ્રમોદે જણાવ્યું કે, આગ્રામાં બે દિવસમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જેના કારણે તીમારદાર પોતાના દર્દીની સારવાર માટે હોસ્પિટલની અંદર ખાનગી સિલિન્ડર લઈ રહ્યો હતો અને ખાલી સિલિન્ડર લઈને બહાર આવી રહ્યો હતો. વિડીયોમાં એક વ્યક્તિ ખાલી સિલિન્ડર લઇને હોસ્પિટલની બહાર આવી રહ્યો છે. આ જાેઈને અન્ય એક વ્યક્તિ પોલીસને સિલિન્ડર મેળવવા વિનંતી કરી રહ્યો છે. વિડીયોને પોલીસ સાથે જાેડીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જે ખોટું છે.