પોલીસે દુષ્કર્મ શિકાર થયેલી મહિલાનું બાળક દત્તક લીધું
મોરબી: સામાન્ય રીતે પોલીસ શબ્દમાં કઠોરતા જોવા મળે છે પરંતુ આ કઠોરતા પાછળ મર્મ અને કરૂણતા પણ છૂપાયેલી હોય છે. આ વાતને મોરબી જીલ્લા પોલીસે એક બાળકને દત્તક લઈ તેની તમામ જવાબદારી ઉપાડીને સાર્થક કરી દીધું છે. આ વાતની ઉંડાણપૂર્વક વિગત જોઈએ તો, મોરબીના હળવદ ખાતે માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો અને બાદમાં પોલીસે વીડિયો બનાવનાર અને દુષ્કર્મ આચારનારની ધરપકડ કરી હતી. આ વીડિયોમાં એક બાળક પણ નજરે પડી રહ્યું હતું.
આ બાળકનું શુ થશે એ મોટો પ્રશ્ન તમામ લોકોના મનમાં હતો. જેમાં આ ગુનાની તપાસ દરમિયાન મોરબી જીલ્લા પોલીવડા એસઆર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીઆઈ વીબી જાડેજા, એસઓજી પીઆઈ જેએમ આલ, મોરબી સીપીઆઈ આઈએમ કોંઢિયા, મોરબી તાલુકા પીએસઆઇ એએ જાડેજા, હળવદ પીઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા મળી અને આ બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો હતો.
સર્વ સંમતિથી લેવાયેલા ર્નિણયને ગુજરાત ડીજીપી આશિષ ભાટીયા અને રેન્જ આઈજીને પણ જાણ કરવામાં આવતા તેઓએ પણ મોરબી પોલીસની કામગીરીને ઉમદા ગણાવી હતી અને લીલી ઝંડી આપી હતી. જેમાં ઉપરી અધિકારીઓની વિધિવત મંજૂરી મળી ગયા બાદ મોરબી એસપી, ડીવાયએસપી, પીઆઈ, સીપીઆઈ, પીએસઆઇ સહિતની ટીમે બાળકને દત્તક લઈ અને તેના જીવન જીવવાથી લઈને સારી શાળામાં એડમિશન કરવી ભણાવવાની જવાબદારી લીધી હતી. સાથે જ આ બાળક માટે તેના જ નામનું બેન્ક એકાઉન્ટ ખોલી અને તેમાં ફંડ એકત્ર કરવાનું નક્કી કર્યું છે. મોરબી પોલીસની આવી ઉમદા જાહેરાતના પગલે ઠેરઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસવા માંડ્યો હતો. ત્યારે પોલીસે શાળા ખૂલતાની સાથે જ બાળકને સારી સ્કૂલમાં એડમિશન લેવડાવી આગળના ભવિષ્યનો વિચાર કરવા કમર કસી લીધી છે.