પોલીસ અધિકારીએ માલિક ન મળતા કૂતરાને દત્તક લીધું
નવી દિલ્હી: કહેવાય છે કે, પ્રાણીઓમાં કૂતરું મનુષ્યનું સૌથી સારું દોસ્ત હોય છે. તે પોતાના માલિક માટે કંઈ પણ કરી શકે છે. આવું જ એક કૂતરું થોડા દિવસો પહેલા કેરળના ઇડુક્કીમાં થયેલા ભૂસ્ખલન બાદ સામે આવ્યું હતું. આ ભૂસ્ખલનમાં એક પરિવાર ગુમ થઈ ગયો હતો.
ત્યારબાદ તેમનો કૂવી નામનો કૂતરો તેમને શોધવા માટે લાગી ગયો હતો. તે તેમની રાહ જોતાં અનેક દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રહ્યો હતો. હવે કેરળના જ એક પોલીસ અધિકારીએ તેને દત્તક લઈ લીધો છે. ડાૅગ સ્ક્વોડના ટ્રેનર અજીત માધવન પોલીસ અધિકારી છે . તેઓએ આ ભૂખ્યા-તરસ્યા કૂતરાને દત્તક લેવા માટે વન વિભાગ અને જિલ્લા પ્રશાસનની મંજૂરી પણ લઈ લીધી છે. જ્યારે કેરળના ઇડુક્કીમાં વરસાદના કારણે ભૂસ્ખલન આવ્યું હતું તો ત્યાં અનેક પરિવાર કાટમાળમાં દબાયા હતા.
ત્યારબાદ એ જોવા મળ્યું હતું કે કૂવી સતત એક જ સ્થળે જઈને વારંવાર રોકાઈ જતો હતો. એવામાં જ્યારે તે સ્થળનું ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ એ જ પરિવારનું સંતાન હતું, જેને કૂવીએ ઉછેર્યું હતું. આ જોઈને પોલીસ અધિકારી અજીત માધવન અને ગામ લોકોથી રહેવાયું નહીં. ત્યારબાદ અજીત માધવને કૂવીને દત્તક લેવાનો ર્નિણય લઈ લીધો હતો. હવે કૂવી પણ નવું ઘર મેળવીને પહેલાથી સ્વસ્થ્ય લાગી રહ્યો છે. કેરળના ઇડુક્કીમાં પડેલા ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં અનેક મકાન દબાઈ ગયા હતા. તેમાં ૪૩થી વધુ લોકોનાં મોત થયા હતા.