Western Times News

Gujarati News

પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા

અમદાવાદ: અમદાવાદના કેટલાક પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા હોવાનું પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું છે. જેની ગંભીરતાથી નોંધ લઈને કમિશનરે છેલ્લા ૧ વર્ષમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં આવેલી જમીન અને ૨૫ લાખથી વધુ રકમની છેતરપિંડીની વિગતો મગાવી છે.

સંજય શ્રીવાસ્તવ અમદાવાદ પોલીસ કમિશનર બન્યા ત્યારથી જ તેમણે દરેક પોલીસ અધિકારીને સૂચના આપી હતી. જેમાં ૨૫ લાખથી વધુની છેતરપિંડીની ઘટનામાં અને જમીન પ્રકરણમાં ગુનો દાખલ કરતાં પહેલાં પોલીસ કમિશનરની મંજૂરી ફરજિયાત લેવા આદેશ કર્યો હતો, પરંતુ તાજેતરમાં જ કેટલાક પોલીસ સ્ટેશનોમાં ૨૫ લાખથી વધુ છેતરપિંડીની અને જમીનની ફરિયાદ બારોબાર દાખલ કરી દીધી હતી. એટલું જ નહીં

આ ફરિયાદો દાખલ કરવામાં કમિશનર કચેરીના જ એક અધિકારી અને કેટલાંક પીઆઈ સહિતના અધિકારીઓએ કરોડો ખંખેર્યાંનું પોલીસ કમિશનરના ધ્યાને આવતાં શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧ વર્ષમાં ૨૫ લાખથી વધુની છેતરપિંડીની અને જમીન પ્રકરણની અરજીઓની વિગતો મગાવી છે. જેમાં ૧ વર્ષમાં આવેલી અરજીઓમાંથી કેટલી અરજીઓ મંજૂરી માટે કમિશનરને મોકલી? અને તેમાંથી કેટલીને મંજૂરી મળી હતી? તેની વિગતો ખાસ મગાવી છે.

જમીન, છેતરપિંડીની અરજીઓમાં ગુના દાખલ કરવાની મંજૂરી માટે કમિશનર કચેરીએ મોકલાય છે. પરંતુ એક પીઆઈએ અમુક અરજીઓની એન્ટ્રી કમિશનર કચેરીમાં કરાવ્યા વગર બારોબાર ગુના દાખલ કરવા માટે મંજૂરી આપી હતી. જે વાત કમિશનરના ધ્યાને આવતા તપાસ શરૂ કરાઇ છે.

કમિશનર કચેરીની એક શાખામાં ફરજ બજાવતા પીઆઈએ આ આખું કૌભાંડ આચર્યું હોવાનું કમિશનરના ધ્યાને આવતાં તે પીઆઈને કામકાજથી અળગા કરી દેવાયા છે અને ખાતાકીય પગલાં લેવાય તેવા એંધાણ છે.કૌભાંડી પોલીસ અધિકારીઓમાં દોડધામ જે પણ પોલીસ ઈન્સ્પેકટરોએ કમિશનરની મંજૂરી વિના જમીન અને ૨૫ લાખથી વધુ રકમની છેતરપિંડીની ફરિયાદો નોંધી છે. તેવા તમામ ઈન્સ્પેકટરો ઉચ્ચ અધિકારીઓને આમાંથી બચાવવા ભલામણ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.