પોલીસ કંટ્રોલરૂમના ASI અને તેમનાં પત્ની સાથે રોકાણના નામે ૨૫.૪૮ લાખની ઠગાઇ
અમદાવાદ, નિકોલ વિસ્તારમાં રહેતા અને પોલીસ કંટ્રોલરૂમના એએસઆઇ તથા તેમના પત્ની સાથે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં રોકાણ કરી વધુ નફો આપવાના બહાને ૨૪.૪૮ લાખની ઠગાઇ થઇ છે. યુવતી સહિત એક શખ્સે મહિને ૨થી ૩ ટકા વ્યાજની લાલચ પણ આપી હતી.
નિકોલની ગોકૂલેશ રેસિડેન્સીમાં રહેતા અસ્મિતાબહેન કાછડિયાએ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અસ્મિતાબહેન જીએસી બેન્કની બ્રાંચમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને તેમના પતિ શાહીબાગ કંટ્રોલરૂમમાં અનાર્મ એએસાઇ તરીકે ફરજ બજાવે છે.
નિર્ણયનગરમાં રહેતા રિશી કારોલિયા તથા તેમના મામા પ્રફુલ્લ વૈષ્ણવે રિલીફરોડ પર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં પૂજા શાહ ટેકનિકલ એનાલિસ્ટ તરીકે નોકરી કરતી હતી.
૩૦ લાખ રૂપિયાનું કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે રોકાણ કર્યું ઃ જયસુખભાઇએ અલગ અલગ તારીખે કુલ ૩૦ લાખ રૂપિયાનું રિશીની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે રોકાણ કર્યુ હતુ. આ દરમિયાનમાં પ્રફુલ્લ વૈષ્ણવનું કોરોનાના કારણે અવસાન થતાં રોકાણ સામે મળતુ ગેરેન્ટેડ રિટર્ન બંધ થઇ ગયુ હતું.
અસ્મિતાબહેન અને તેમના પતિ અવારનવાર રોકાણનાં નાણાં લેવા માટે તેમની ઓફિસ જતા, પરંતુ તેઓ અલગ અલગ બહાના બનાવતા હતાં અને રૂપિયા પરત આપતા ન હતા.
જાેકે રિશી અને પૂજાએ તેમને ૪.૨૭ લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના ૨૫.૪૮ લાખ રૂપિયા પરત આપ્યા ન હતા, જેથી તેમને જાણ થઇ કે પૂજા અને રિશીએ તેમની સાથે ઠગાઇ કરી છે. આથી અસ્મિતાબહેન તેમજ તેમના પતિએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
અસ્મિતાબહેને બે વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.