પોલીસ કર્મીઓ પરના હુમલા ચલાવી લેવાશે નહીં: શિવાનંદ ઝા
• ક્લસ્ટર કોરન્ટાઇન અને બફર ઝોન વિસ્તારોમાં હાઇ માસ્ક કેમેરાથી વોચ રખાશે:
હાઈરાઈઝ બિલ્ડીંગો પરથી દૂરબીન દ્વારા ચાંપતી નજર
• રાજકોટમાં સી.સી ટીવી ફૂટેજના આધારે ત્રણ દિવસમાં ૨૧ વખત દવા લેવાના બહાને ફરતો યુવાન ઝડપાયો
રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, લૉકડાઉનનો ચુસ્ત અમલ સમાજના હિત અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે છે, ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ રોકવાની કામગીરીમાં ફરજ બજાવતા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મીઓ ઉપર થતાં હુમલાઓને ચલાવી લેવાશે નહીં. હુમલો કરનાર તત્વો સામે પાસા સહિતની કલમો લગાવીને કડકમાં કડક કામગીરી કરવામાં આવશે.
રાજ્યમાં લૉકડાઉનના અમલ અંગે મીડિયાને માહિતી આપતાં શ્રી ઝાએ ઉમેર્યું કે, પોલીસ અને આરોગ્ય કર્મીઓને અસહકાર કરવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે નાગરિકો આ કામગીરીમાં સહકાર આપે. પોલીસ ચુસ્ત અમલ કરાવશે જ. આમ નહીં થાય તો કડક હાથે કામ લેવા પણ પોલીસને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે . તેમણે ઉમેર્યું કે પોલીસ અને આરોગ્ય કર્મીઓ ઉપરના હુમલાને અમે ગંભીરતાથી લીધા છે એટલે આરોગ્ય કર્મીઓ જ્યારે સર્વેલન્સ માટે આવે તો નાગરિકો સંયમતા જાળવી તેમને પૂરતો સહકાર આપે, જો સહકાર આપવામાં નહીં આવે તો પોલીસ ચોક્કસ કડક હાથે પગલાં લેશે
લૉકડાઉનના ભંગ કરનાર સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે
ત્યારે ક્ષુલ્લક બહાના બનાવીને કેટલાક લોકો હજું પણ ઘરની બહાર ફરતા હોય છે તેમને ચેતવણી આપતાં શ્રી ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી દવા લેવા જવાનું બહાનું બનાવીને ૨૧ વખત જુદા જુદા વિસ્તારોમાં ફરતો હોવાનું સી.સી.ટીવી ફૂટેજ અને એ.એન.પી.આરના સોફ્ટવેરના માધ્યમથી પકડાતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
શ્રી ઝાએ કહ્યું કે આવશ્યક ચીજ-વસ્તુઓના વિતરણમાં પણ યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાતું ન હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. શાકમાર્કેટ, બેંકો,કરિયાણાની દુકાનો ખાતે પણ ડ્રોન સર્વેલન્સ વધુ સઘન બનાવાયું છે એ જ રીતે આગામી સમયમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાંથી એ.પી.એલ કાર્ડધારકોને અનાજ વિતરણ તથા બેન્કોમાં નાણાની લેવડ-દેવડ સમયે પણ સોશ્યલ ડીસ્ટન્સ જળવાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અપાશે એટલે નાગરિકો પણ યોગ્ય સહકાર આપે એ જરૂરી છે.
શ્રી ઝાએ કહ્યું હતું કે, લૉકડાઉનના કડક અમલ માટે શહેરોના કલસ્ટર કવોરન્ટાઇન અને બફર ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા અમુક જગ્યાએ હાઈ માસ્ક કેમેરાના માધ્યમથી એરિયલ વ્યૂથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના હાઈરાઈઝ પોઇન્ટ ઉપરથી પણ પોલીસ આવા તત્વો પર વોચ રાખી રહી છે. રાજ્યમાં આવશ્યક વસ્તુઓ હેઠળ આવતા ઉદ્યોગ કામદારોને સાવચેતીના ભાગરૂપે પોતાના જરૂરી પુરાવા રજૂ કરે તો તેમને જવા દેવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. આ સિવાય આવશ્યક સેવાઓ હેઠળ આવતી વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રકના ચાલકને પણ તેમના લાયસન્સ રજુ કરવાથી જવા દેવામાં આવશે જેથી કરીને લોકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સમયસર મળી રહે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા ૪૮૭ ગુના નોંધવામાં આવ્યા છે. જે હેઠળ આજ સુધીમાં કુલ ૩,૯૬૮ ગુનાઓ હેઠળ ૮,૯૫૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી ૮૪ ગુનાઓ નોંધીને ૧૩૧ લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-૬૧૮ ગુનાઓમાં કુલ ૧,૧૭૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ ૨૮ ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-૧૯૪ ગુનાઓ હેઠળ ૩૬૮ લોકોની ધરપકડ કરાઈ છે.
શ્રી ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ગઇકાલે જાહેરનામા ભંગના ૩,૦૫૯ ગુનાઓ,કવૉરન્ટાઈન ભંગના ૮૨૯ તેમજ અન્ય ૩૯૨ એમ કુલ ૪,૨૮૦ ગુનાઓ હેઠળ કુલ ૬,૩૯૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૨,૭૪૨ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.