પોલીસ કોન્સ્ટેબલ કહ્યા વગર ગેરહાજર રહેતાં ગુનો દાખલ
સોલા પોલીસે નોટિસ-ટેલિફોન દ્વારા જાણ કરી તેમ છતાં ફરજ પર ના આવતા કડક કાર્યવાહી
અમદાવાદ, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર હાજર ના થતાં તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સોલા પોલીસે વારંવાર નોટિસ તેમજ ટેલિફોન દ્વારા જાણ કરી તેમ છતાં ગેરહાજર રહેતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. સોલા પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદ ભગવાનભાઇએ પોલીસ કોન્સ્ટેબલ સમીર સોમાભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હાલમાં બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ થયું ન હોવાથી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફાળવેલા કર્મચારીઓને સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર લેવામાં આવ્યા હતા, જેમાં અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સમીર આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યાંથી સમીરની બદલી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કરી હતી, જાેકે સમીર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ન હતા.
પોલીસ કોન્સ્ટેબલ સમીર જ્યારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને કોઇ પણ પ્રકારની પૂર્વ મંજૂરી ન હતી અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેમની બદલી થઇ હોવા છતાં ફરજ પર હાજર રહ્યા ન હતા અને વિનોદભાઇએ લેખિત તેમજ તે પછી ટેલિફોન દ્વારા જાણ કરી હોવા છતાં તેઓ હાજર થયા ન હતા.
વારંવાર વિનોદભાઇએ નોટિસ મોકલી તેમ છતાં સમીર હાજર થયા ન હતા, જેથી પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇએ પોલીસ કોન્સ્ટેબલ સમીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ઘણા બધા એવા પોલીસ સ્ટેશન છે કે જ્યાં પોલીસ કર્મચારીઓની બદલી થઇ ગઇ હોવા છતાં તેઓ હજી સુધી ફરજ પર હાજર થતા નથી. જેથી પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે.