પોલીસ દંડ વસૂલવામાં અને તસ્કરો ચોરી કરવામાં વ્યસ્તઃ નાગરિકોને હાલત કફોડી
કારંજમાં વેપારી સાથે ઝપાઝપી કરી ફોનની લુંટઃ BRTSમાં બહારગામની મહિલાનું પર્સ ચોરાયું |
અમદાવાદ : પોલીસતંત્રનાં શહેર સુરક્ષિત હોવાનાં દાવા પોકળ સાબિત કરતી ઘટનાઓ રોજેરોજ પ્રકાશમાં આવી રહી છે. ચોવીસ કલાક પેટ્રોલિંગના દાવા કરતી પોલીસની કાર્યવાહી છતાં ગુનેગારો બેફાન વર્તન કરી રહ્યાં છે. કોઈપણ જાતનાં ડર વગર લુંટારૂઓ ધોળે દિવસે નાગરીકોને રોકીને ઢોર માર મારી લુંટી રહ્યા છે. શહેર ચારે તરફ સીસીટીવીથી ઘેરાયેલું હોવા છતાં પોલીસ ઘટના બાદ ગુનેગાર સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહેતાં બેફામ બનેલાં આરોપીઓ વધુ ગુના આચરી રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં શહેરનાં સરદારબાગ નજીક બે લુંટારૂએ અકસ્માતનું બહાનું બનાવી એક વ્યક્તિને ઢોર માર માર્યા બાદ મોબાઈલ પણ પડાવી લેતાં ચકચાર મચી છે. જ્યારે અન્ય બનાવમાં કેમેરાથી સજ્જ બીઆરટીએસની બસમાં એક મહિલાનાં પર્સની ચોરી થતાં તેણે વીસ હજારથી વધુની મત્તા ગુમાવી છે.
પ્રથમ બનાવ કારંજ વિસ્તારમાં નોંધાયો છે. જીતેન્દ્રભાઈ પરીખ નામના વેપારી ગાંધી રોડ ખાતે પોતાની દુકાન ધરાવે છે અને રાયખડ ખાતે રહે છે. કુરીયરની ઓફીસ ધરાવતાં જીતેન્દ્રભાઈ કેટલાંક પાર્સલ મુખ્ય શાખા ખઆતે આપવા પોતાનાં એક્ટીવા પર નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે પોણા આઠ વાગ્યે જીતેન્દ્રભાઈ સરદારબાગ પાસે પહોંચ્યા એ વખતે મોટરસાઈકલ ઊપર આવેલાં એક શખ્સ અને તેની સાથેની મહિલાએ તેમને રોકીને એક્ટીવા જાઈને ચલાવો તેમ કહીને ઝઘડો કર્યાે હતો.
ઊપરાંત જીતેન્દ્રભાઈ કંઈ સમજે એ પહેલાં જ તેમનો કોલર પકડીને આ શખ્સે ઝપાઝપી કરતાં જીતેન્દ્રભાઈએ “ગાડી ભુલથી અડી ગઈ હોય તો એ માટે સોરી” એમ કહેતાં તે શખ્સ મહિલા સાથે ત્યાંથી જતો રહ્યો હતો. જીતેન્દ્રભાઈ પણ એક્ટીવા લઇ નહેરુબ્રીજ તરફ આવતાં ફોનની જરૂર પડતાં તેમણે ખિસ્સા તપાસતાં ફોન મળી આવ્યો નહતો.
જેથી અકસ્માતનું બહાનું કરી ઝઘડો કરવા આવેલાં શખ્સે તેમનો ફોન ચોર્યાની જાણ થઇ હતી. ત્યારબાદ કારંજ પોલીસ સ્ટેશને પહોંચીને જીતેન્દ્રભાઈએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. બીજા બનાવ બીઆરટીએસ બસમાં બન્યો હતો. અવનીતા રમેશભાઈ વાજા નામની મહિલા પોરબંદર ખાતે રહે છે. અને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તે શહેરમાં બે દિવસથી રોકાઈ હતી. ગઈકાલે અવનીતા પોતાની સહેલી શિવાની સાથે બ્યુટી પાર્લરનાં સામાનની ખરીદી કરવા લાલ દરવાજા ખાતે જવા નીકળી હતી. એ માટે સાડા બાર વાગ્યે ચંદ્રનગરથી બીઆરટીએસ બસ પકડી નહેરુનગર થઇ લાલ દરવાજા ખાતે ગઈ હતી.
તિલક બાગ આગળ બસમાંતી ઊતરેલી અવનીતાએ પોતાનાં પર્સમાં જાતાં તેમામં મુકેલાં બે નાના પાકીટ ગુમ હતા. જેમાં તેમનું ડ્રાઈવીંગ લાઈસન્સ, ચુંટણી કાર્ડ તથા અન્ય દસ્તાવેજા ઊપરાંત વીસ હજારની રોકડ હતી. ચોરીની જાણ થતાં અવનીતાએ બુમાબુમ કરી મુકી હતી. પરંતુ તેમની મત્તા પરત મળી ન હતી. જેથી તેમણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચીને નહેરુનગરથી લાલ દરવાજા દરમિયાન હકડેઠઠ ભીડનો લાભ લઇ અજાણ્યા તસ્કરે તેમનાં પર્સની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
અત્રે ઊલ્લેખનીય છે કે બીઆરટીએસ બસમાં સીસીટીવી કેમેરા લગાવેલાં હોવા છતાં ચોર કાબુમાં નથી આવી રહ્યા. ભીડનો લાભ ઊઠાવી ચોરી કરતાં શખ્સોને ભીડમાં ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યાં છે. ઊપરાંત ચંદ્રનગરથી નહેરુનગર તથા ઈસ્કાેન તરફ જતી બીઆરટીએસ બસોમાં આવાં બનાવો વધુ બની રહ્યાં છે.