પોલીસ પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકતા પત્નીએ ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ : નારોલમાં રહેતી મહિલાએ પોતાના પુત્રને સારી શાળામાં મુકવાનું કહેતા પતિએ પત્ની સાથે મારઝુડ કરી કાઢી મુકી હોવાની ફરીયાદ પત્નીએ પોલીસ પતિ વિરૂધ્ધ નોંધાવી છે.
સોનાલીબેનના લગ્ન થોડા સમય અગાઉ જ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંતોષભાઈ દેવચંદ મટીલે (ઋદ્ર સ્ટેટસ ફલેટ, નારોલ કોર્ટની બાજુમાં નારોલ)સાથે થયા હતા. સોનાલીબેન તથા સંતોષભાઈ બંન્નેનાઆ બીજા લગ્ન હતા. અગાઉના લગ્નથી સોનાલીબેનને પિયુષ નામનો પુત્ર હતો. લગ્નના થોડા સમય બાદ સોનાલીબેને પુત્ર પિયુષને શાળામાં ભણવા માટે મુકવાનું કહેતા સંતોષભાઈએ તેનો સરકારી શાળામાં દાખલો કરાવ્યા હતો.
જા કે શાળામાં ભણતર સારૂ ન હોવાથી સોનાલીબેને બીજી સારી શાળામાં પિયુષનું એડમિશન કરાવવાનું કહેતા સંતોષભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં નાની નાની વાતોમાં પણ ઝઘડો કરીને વારંવાર સોનાલીબેનને તમના માતા-પિતાને ત્યાં જતાં રહેવાનું કહીને ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી તે પોતાના પુત્રને લઈ બહેનના ઘરે રહેવા ગયા હતા. તેમ છતાં સંતોષભાઈ તેમને પરત લેવા ન આવતા છેવટે તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મહિલાઓ સાથે અત્યાચારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે તે પોલીસની મદદ લેતી હોય છે પરંતુ એક પોલીસ કર્મચારીની પત્નીએ જ તેમની વિરૂધ્ધ આક્ષેપો કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે.