પોલીસ વડાના આદેશ બાદ રાજ્યભરમાં નકલી ડોકટરો પકડી પાડવાની સધન ઝુંબેશ

Files Photo
ગાંધીનગરછ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પીટલો ન હોય ત્યાં અમુક લેભાગુ તત્વો દ્વારા તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું હાલમાં પોલીસ વિભાગના ધ્યાને આવેલ હતું. આ પ્રકારના બોગસ ડોક્ટરો દ્વારા માન્ય તબીબી ડીગ્રી કે પ્રેક્ટીસ કરવાનો પરવાનો ન હોવા છતાં ગામડાના લોકોને કોરોનાની સારવારના નામે તબીબી સારવાર આપવામાં આવતી હોવાનું અને બાદમાં દર્દીની તબીયત બગડે ત્યારે અન્ય જગ્યાએ મોટી હોસ્પીટલમાં રીફર કરીને દર્દીના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવતું હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી આશીષ ભાટિયાના ધ્યાને આવેલ હતું. આ બાબતને ખૂબ ગંભીર ગણીને ડી.જી.પી.શ્રી દ્વારા તાત્કાલીક સમગ્ર રાજ્યમાં આ બોગસ તબીબોને શોધી કાઢવા તમામ જીલ્લા/શહેરોના પોલીસ વડાને આદેશ આપવામાં આવેલ હતો.
આ અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આવા નકલી ડોકટરોને પકડી પાડવા એક સ્પેશ્યલ ડ્રાઇવ ચાલુ છે. આ ડ્રાઇવ દરમ્યાન તા.૨૮/૦૫/૨૦૨૧ના રોજ રાજકોટ શહેરમાંથી એક અને વડોદરા શહેરમાંથી એક એમ કુલ-૨ બોગસ ડોક્ટરો પકડી પાડીને તે અંગેના ગુનાઓ દાખલ થયેલ છે. છેલ્લા બે દિવસમાં, એટલે કે તા. ૨૯/૦૫/૨૦૨૧ અને તા.૩૦/૦૫/૨૦૨૧ના રોજ આ પ્રકારના વધુ ૧૮-બનાવો પકડી પાડવામાં આવેલ છે.
જેમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં-૪, પંચમહાલ જીલ્લામાં-૪, વલસાડ જીલ્લામાં-૯ અને મોરબી જીલ્લામાં-૧ બનાવો પકડવામાં આવેલ છે. આ તમામ બનાવો સંદર્ભે ગુનાઓ દાખલ કરીને બોગસ તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ તમામ બનાવો પૈકી મોટા ભાગના બનાવોમાં આરોપીઓ બહારના રાજ્યના વતની છે. તેઓ ગુજરાત બહારથી આવીને ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેક્ટીસ કરતાં હતા અને ગામડાંના લોકોને તબીબી સારવારના નામે એલોપેથી દવાઓ આપતાં હતા.
પોલીસ દ્વારા સમગ્ર રાજયમાંથી છેલ્લા બે માસમાં એટલે કે તા. ૧/૦૪/૨૦૨૧ થી તા. ૩૧/૦૫/૨૦૨૧ સુધીમાં કુલ-૫૩ બોગસ ડોક્ટરો પકડી પાડવામાં આવેલ છે. આ અંગેના કુલ ૫૩ ગુનાઓ દાખલ કરીને તેમાં કુલ-૫૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. હજુ પણ આ માટેની કાર્યવાહી અને તપાસ ચાલુ છે. રાજય પોલીસ વડાશ્રી આશીષ ભાટિયા દ્વારા આગામી દિવસોમાં પણ આવા નકલી ડોકટરોને શોધી કાઢવાની ઝુંબેશ સખ્તાઇથી ચાલુ રાખવા સુચના આપવામાં આવેલ છે.